સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th December 2019

ગોંડલમાં પરીક્ષા ચોરી મુદે કુલપતિ ઉપર NSUIનો હલ્લાબોલ

આ વિદ્યાર્થી ભાજપના પૂર્વ ઉપપ્રમુખ હોય છાવરતા હોવાનો આરોપઃ ડમી કોલેજોને ખુલી પાડો, ફોજદારી ગુનો દાખલ કરોની માંગઃ કુલપતિની ચેમ્બરમાં રામધુન બોલાવીઃ ઉગ્ર આંદોલનની ચિમકી : ગોંડલની એમબી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની પરીક્ષા કેન્દ્ર રદ : ગોંડલ ડમીકાંડના ઘેરા પડધા ગોંડલની એમબી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને તાકીદની અસરથી પરીક્ષા કેન્દ્ર રદ કરતા કુલપતિ નિતિન પેથાણી : પ્રિન્સીપાલ ઝાલાને સાંજે તેડુ

રાજકોટઃ તા.૧૩, ગોંડલના વિવાદાસ્પદ ડમી વિદ્યાર્થીકાંડ મામલે એનએસયુઆઇ દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે ડમી વિદ્યાર્થી, ડમી બેસાડેલ તે વિદ્યાર્થી સામે તાત્કાલીક પગલા લઇ ફોજદારી કેસ દાખલ કરવામાં આવે, કોલેજ તેમજ તેના પ્રિન્સીપાલ સામે પગલા લેવામાં આવે સહિતની માંગણી સાથે કુલપતિની ચેમ્બરમાં રામધુન બોલાવી ધરણા- સુત્રોચ્ચાર કરી આવેદન પાઠવ્યું હતુ.

જેમા જણાવાયું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગોંડલનું પરીક્ષા કેન્દ્ર કાયમી વિવાદાસ્પદ રહયુ છે. વ્યાપક ફરીયાદો હોવા છતા  પ્રિન્સીપાલ સહદેવસિંહ ઝાલા  દ્વારા આજદિન સુધી માત્ર ખોટો દેખાવ કરીને સારી કોલેજ  ચાલી રહી છે. તેવી વાતો કરે છે.  પરંતુ વાસ્તવિકતા જુદી જ છે તેમજ તેમણે પોતાની સેલ્ફ ફાયનાન્સ કોલેજ વિદ્યાર્થીઓની રહેણાંક બોડીંગમાં ચાલુ કરી દીધી છે. યુનિવર્સિટી સતામંડળના ચારેય હાથ તેમના પર છે. તે સાબીતી એ છે કે કોલેજના સ્થળમાં ફેરફાર કરવો હોય તો નીયમ એ છે કે એક તાલુકામાંથી બીજા તાલુકામાં કે બીજા શહેરમાં સ્થળ બદલી ન થઈ શકે છતા યુનિવર્સિટીના નિયમ વિરૂધ્ધ તેમને રાજકોટથી તેમની કોલેજ સહજાનંદ ગોંડલ ખાતે સ્થળ ફેરફાર બિન કાયદેસર કરી દીધેલ છે. તેમનો વિવાદ હજી ચાલુ જ છે. આ સહજાનંદ કોલેજમાં માસ કોપી કેસ થયેલ છતા યુનિવર્સિટીમાં એકપણ વિદ્યાર્થીને સજા થયેલ ન હતી. આજ દિન સુધી યુનિવર્સિટીના ઈતિહાસમાં આવુ થયેલ નથી. આવા કિસ્સામાં કોલેજને ૫૦ હજારનો દંડ અને વિદ્યાર્થીઓને ચાર પરીક્ષા રદનો નિયમ લાગુ પડે છે. પરંતુ આ મહાશયને યુનિવર્સિટીના કોઈ નિયમ લાગુ પડતા નથી. એમ.બી.આર્ટસ કોલેજ ના પ્રિન્સીપાલ કોલેજમાં શુ ન કરી શકે તેમનું ઉતમ ઉદાહરણ છે. 

 સૌરાષ્ટ્રભરના વિધાર્થીઓ જે નાપાસ થાય છે કે એટીકેટી આવે છે તે લોકો આ કોલેજમાં પ્રવેશ લઈને આર્થિક વ્યવહાર કરીને પાસ થાય તેવી ચર્ચા શિક્ષણ જગતમાં છે આ યુનિવર્સિટીના તમામ  સતા મંડળ આ વાતથી વાકેફ છે. યુનિવર્સિટીના ભુતકાળમાં  નજર કરીએ તો જે તે કોલેજમાં  ડમી વિધાર્થીઓ પકડાયેલ ત્યારે તેમના પર પોલિસ કેસ તેમજ પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવેલ છે. યુનિવર્સિટીના ઈતિહાસમાં આ પહેલો બનાવ છે કે વિદ્યાર્થીએ ડમી બેસાડેલ છતા તેમની પર પોલિસ કેસ કે કોલેજના પ્રિન્સીપાલ જે જવાબદાર છે છતા કોઈપણ જાતના પગલા કેમ લેવાયા નથી?

આ ડમી વિધાર્થી પૂર્વ તાલુકા ભાજપના પ્રમુખ હોવાથી રાજકીય દબાણ વસ થઈને યુનિવર્સિટી કોઈ કાર્યવાહી કરતી નથી. સામાન્ય વિધાર્થી ડમીમાં પકડાય તો મીનીટોમાં પોલિસ કેસ થાય છે. ભુતકાળમાં તમામ કોલેજમાં પકડાયેલ ડમી વિધાર્થી ૫ર પોલિસ કેસ યુનિવર્સિટીએ કરેલ છે. માટે આ  ડમી વિદ્યાર્થી તેમજ આ વિદ્યાર્થી (ભાજપના પૂર્વપ્રમુખ) પર તાત્કાલિક પોલિસ કેસ કરવામાં આવે તેમજ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવે તેમજ પ્રિન્સીપાલની જવાબદારી હતી તો તેમની પર પણ પગલા લેવામાં આવે તેવી અમારી માંગણી છે તેમજ જયાં સુધી પગલા લેવામાં નહી આવે ત્યાં સુધી વિધાર્થીના હિત તેમજ આવી ડમી કોલેજોને ખુલી પાડવા માટે અમારુ આંદોલન ચાલુ રહેશે. તેમ એનએસયુઆઇના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતુ.

રજુઆતમાં આદિત્યસિંહ ગોહિલ , સુરજ ડેર, હરપાલસિંહ જાડેજા, અમિત પટેલ, મુકુંદ ટાંક, મયુર વાંક, નરેન્દ્ર સોલંકી, રોહિત રાજપુત, ભાવેશભાઈ, વિક્રમ બોરિચા, દિગપાલસિંહ જાડેજા, માધવ મિયાત્રા, વિશ્વરાજસિંહ, બોની પટેલ, મંથન પટેલ, દેવન્દ્રિસિંહ, પુષ્પરાજસિંહ, દર્શિલ મકવાણા, માનવ સોલંકી, જીલ ડાભી, મયુર ખોખર, જોડાયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:22 pm IST)