સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th December 2017

ભૂપગઢમાં ભાજપ - કોંગીની વાત ન કરતા, સ્વામીને સરપંચે સ્પષ્ટ કહી દીધુ

એસ.પી. સ્વામી અને નરેન્દ્ર ચાવડા વચ્ચેની વાતનો ઓડીયો વાઇરલ :ગામ કોંગ્રેસની સાથે રહે અને ભાજપની સરકાર આવે તો ગ્રાન્ટ ન મળે

રાજકોટ તા. ૧૪ : ગઢડાના સ્વામિનારાયણ સંપ્રદાયના ગઢડા ટેમ્પલ બોર્ડના વડા એસ.પી. સ્વામી (અજેન્દ્રપ્રસાદજી મહારાજના સમર્થક) અને રાજકોટ તાલુકાના ભૂપગઢ ગામના સરપંચ શ્રી નરેન્દ્રભાઇ ચાવડા વચ્ચે ધારાસભ્યની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે થયેલી વાતચીતનો ઓડીયો વાઇરલ થતા હરિભકતોમાં ચર્ચા જાગી છે.

વાતચીતમાં ફોન કરનાર વ્યકિતએ પોતાને ભૂપગઢના સરપંચ તરીકે ઓળખાવી સામેની વ્યકિતની એસ.પી. સ્વામી તરીકે ઓળખ કર્યા બાદ વાતચીત શરૂ કરીને જણાવ્યું છે કે, કોઠારી સ્વામી અમારા ગામમાં મીટીંગ કરવા માંગે છે તેમને કહી દેજો કે ભૂપગઢમાં ભાજપ - કોંગ્રેસની વાત ન કરો. ભાજપવાળા ગ્રાન્ટ આપે છે. ૫૦ વર્ષે અમારા ગામનો વિકાસ થયો છે પછી અમે કોંગ્રેસમાં ચાલીએ અને ભાજપની સરકાર બને તો પુરૃં! કોઠારી સ્વામીને કહી દેજો કે ભૂપગઢમાં ભાજપ - કોંગ્રેસની વાત ન કરે. સંપ્રદાયમાં ભલે તમે પ્રચાર કરતા હો પણ ભૂપગઢ પુરતું બંધ રાખજો. ખરેખર તો તમારે આમા (રાજકિય પ્રચારમાં) ઉતરાય જ નહિ... કદાચ અમે બધાય પ્રચાર કરીએ અને કોંગ્રેસ આવે તો પણ તમને ખાતરી છે કે આ બધુય સોલ્યુશન થઇ જાય? (ઇશારો સંપ્રદાયના વિવાદ તરફ) કેન્દ્રમાં ૧૦ વર્ષ કોંગ્રેસની સરકાર હતી ત્યારે તમે કંઇ ન કરાવી શકયા.

આ તકે સ્વામીએ બધી બાબતો સ્ટેટ લેવલની છે તેવું કહેતા સરપંચે જણાવેલ કે, તમારે ખરેખર પ્રચારમાં ઉતરાતુ નથી. મોટાભાગના સંતો - મહંતો ભાજપ સાથે છે. વાતચીત દરમિયાન સ્વામીએ કોંગ્રેસની સરકાર આવી રહ્યાનો વિશ્વાસ વ્યકત કરતા સરપંચે ભાજપની જ સરકાર બનવાનો દાવો કરી શકત લગાવવાની તૈયારી દર્શાવી હતી. સ્વામીએ ભાજપવાળા તેમનું (પ્રશ્ન) સાંભળતા ન હોવાનો વસવસો વ્યકત કર્યો હતો.

(4:04 pm IST)