સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th December 2017

ગોંડલના નવાગઢ રોડ પર ટ્રક અને તુફાન વચ્ચે અકસ્માતઃ એકનું મોત

તુફાન ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયોઃ હદના મામલે પોલીસ ગોથે ચડીઃ ચાર યુવાનોને ઇજા

ગોંડલના નવાગઢ રોડ પર જયાં અકસ્માત થયો ત્યાં ટ્રક અને બુકડો બોલેલી તુફાન અને બાજુમાં ઇજાગ્રસ્તો નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

રાજકોટ તા. ૧૪ :.. ગોંડલના નવાગઢ રોડ પર રાજકોટ થી જેતપુર તરફ જતી તુફાન જીપ ટ્રક પાછળ ઘુસી જતા એક યુવાનનું મોત નિપજયુ હતું. જયારે ચાર વ્યકિતને ઇજા થતા સારવાર માટે ખસેડાયા છે.

મળતી વિગત મુજબ ગોંડલના નવાગઢ રોડ પર વહેલી સવારે જીજે-૩-ઝેડ-૯૭૧૮ નંબરની તુફાન જીપમાં પેસેન્જર ભરી તુફાનનો ચાલક રાજકોટ થી જેતપુર તરફ  જતો હતો. ત્યારે ગોંડલમાં નવાગઢ રોડ ઉપર એક જીજે-૧૮-એટી-૯૦ર૬ નંબરના ટ્રક પાછળ તુફાન જીપ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં તુફાન જીપ બુકડો બોલી ગઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા અને તુફાનમાં બેઠેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતાં. બાદ જાણ કરતા ૧૦૮ ની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને અકસ્માતમાં ડ્રાઇવરની બાજૂમાં બેઠેલા એક અજાણ્યા યુવાનનું મોત નિપજયુ હોવાનું જાહેર કર્યુ હતું. અને ઇજાગ્રસ્તોમાં જયપ્રકાશ રામ (ઉ.૩૦), સુનીલ રાજનીલ (ઉ.૧૮), ઇશાન (ઉ.રપ) અને સોનું (ઉ.ર૦) ને ઇજા થતા પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અકસ્માતના આ બનાવની જાણ કરવામાં આવતા સીટી તથા તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જયાં બનાવ બન્યો તે હદ માટે પોલીસ ગોથે ચડી હતી. આ અંગે પોલીસે તપાસ આદરી હતી.

(11:38 am IST)