સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th December 2017

કાલે સરદાર વલ્લભભાઈ પટેલનો નિર્વાણ દિન

ભાવનગર :. સરદાર વલ્લભભાઈ પટેલનો કાલે તા. ૧૫ ડિસેમ્બરને શુક્રવારે નિર્વાણ દિન છે.

કાશ્મીરની વાત ન કરીએ તો એકીકરણની વાત અધુરી ગણાય. કાશ્મીર દેશી રાજ્ય હોવા છતાં તેનું કામકાજ પંડિત નહેરૂ સંભાળતા હતા. નહેરૂને કાશ્મીર પ્રત્યે વિશેષ લગાવ હતો. તેના કારણે નહેરૂએ આ રાજ્યનો હવાલો પોતાની પાસે રાખ્યો હતો. કાશ્મીરના પ્રશ્ને સરદારનું યોગદાન જાણીતુ પણ કાશ્મીરના મહારાજા સાથેનો તેમનો પત્રવ્યવહાર, કાશ્મીર મહારાજાનો તેમના પરનો દ્રઢ વિશ્વાસ, તેમજ કાશ્મીર મહારાજા તેમની સલાહથી વર્તતા. આ બધી બાબતો પરથી એક ચોક્કસ તારણ પર આવી શકાય કે જો સરદાર પટેલ પાસે કાશ્મીરનો હવાલો હોત તો કાશ્મીર આપણા માટે શિરદર્દ ન બન્યું હોત. ૩ જૂન, ૧૯૪૭ની ઘોષણા પછી ૧૯૨૫થી જમ્મુ-કાશ્મીરની ગાદી પર આવેલ રાજા હરિસિંહ ધર્મસંકટમાં મુકાયા. મહારાજા નિષ્ઠાવાન અને હિન્દુ હોવાના કારણે ભારણ સંઘ સાથે જોડાવા માગતા હતા, પણ મુશ્કેલી એ હતી કે રાજ્યમાં મુસ્લિમોની બહુમતી હતી. તે વખતે જમ્મુ-કાશ્મીરના દિવાન રામચંદ્ર કાક સત્તાની સોંપણી વખતે સરદાર પટેલને મળી ચૂકયા હતા. ત્યાર બાદ તે ઝીણાને પણ મળ્યા. ત્યારબાદ માઉન્ટબેટન કાશ્મીર ગયા અને મહારાજાને પાકિસ્તાન સાથે ભળવાનું સમજાવવા લાગ્યા હતા.

વી.પી.મેનને લખ્યુ છે કે, 'લોર્ડ માઉન્ટબેટને ચાર દિવસ સુધી સ્થિતિ અંગે ચર્ચા કરી અને છેક ત્યાં સુધી કરી નાખ્યુ કે તેઓ પાકિસ્તાન સાથે ભળશે તો ભારતને ખોટું નહિ લાગે.' ખુદ સરદાર પટેલે પણ મુસ્લિમ બહુમતી હોવાના કારણે તેમને આ બાબત આશ્વાસન આપ્યું. ત્યારબાદ લોર્ડ માઉન્ટબેટને ઘણા પ્રયત્નો કર્યા છતાં મહારાજા કોઈ નિર્ણય પર આવ્યા નહિં, પણ તેમણે પાકિસ્તાન સાથે એક કામચલાઉ સંધિ કરી. તેઓ આવી સંધિ ભારત સાથે કરવા માંગતા હતા, પણ હિંદ સરકારે તેનો અસ્વીકાર કર્યો. મહારાજાની ઈચ્છા પાકિસ્તાનમાં ભળવાની ન હતી છતાં આ સમજુતીથી કાશ્મીર પાકિસ્તાનનો અડ્ડદ બની ગયું. ત્યાંની તાર-ટપાલ સેવા પાકિસ્તાનના નિયંત્રણમાં આવી ગઈ, પણ એક અડચણ એ હતી કે મુસ્લિમ નેતા શેખ અબ્દુલ્લા ઝીણાના વિરોધી હતા અને તેથી ઝીણાએ કાશ્મીરને સંપૂર્ણ રીતે ભારતમાં જોડવા માટે બળ અને દબાણના પ્રયોગનો સહારો લીધો. પાકિસ્તાને કાશ્મીર પર ગુસ્સે થઈ તેની સાથેનો વ્યવહાર તોડી નાખ્યો. પેટ્રોલ, અનાજ વગેરે અન્ય આવશ્યક વસ્તુઓ મોકલવાનું બંધ કરી દીધું. આ વખતે કાશ્મીરે હિંદને મદદ કરવા કહ્યું. હિંદે તેમને અનુકુળતા પ્રમાણે મદદ કરી. આ વખતે પાકિસ્તાને કાશ્મીરની સરહદ પણ સરકારને ફરીયાદ નોંધાવી પણ તેનું કોઈ પરિણામ આવ્યું નહિ. બીજી બાજુ જમ્મુ-કાશ્મીર પરનું આક્રમણ દિનપ્રતિદિન વધવા માંડયું. સરહદ પરના હજીરીસ્તાન અને અન્ય પ્રાંતોના મુસ્લિમ હુલ્લડખોરોએ પાકિસ્તાનમાંથી રજા પર ગયેલા લશ્કરી અમલદારોની દોરવણી નીચે કાશ્મીર સરહદ પર આક્રમણ કર્યુ. તેમને હથિયાર અને વાહનો પાકિસ્તાને પુરા પાડયા. આ હુમલાખોરો કાશ્મીર સરહદમાં ઘુસીને એક પછી એક મથક પર કબ્જો કરવા લાગ્યા અને પ્રજાને રંજાડવા લાગ્યા હતા.

કાશ્મીર પરના કરાયેલ આક્રમણ વખતે બ્રિટીશના તે વખતના વરિષ્ઠ કર્મચારીઓએ પાકિસ્તાનને સહયોગ આપ્યો. ગિલગિટ સ્કાઉટસ પરના બ્રિટીશ સેનાપતિ મેજર બ્રાઉને કાશ્મીર સરકાર સામે બળવો કરી ગિલગિટ પાકિસ્તાનને સોંપી દીધું. કહેવાય છે કે કાશ્મીર સેનાના સેના નાયક મેજર એચ.એલ. સ્કાટે જાણી જોઈને સેનાને નાની ટુકડીઓમાં વિખેરી નાખી, જેથી આક્રમણકારીઓનો સામનો કરવાનો વખત જ ન આવે... અને કહેવાય છે કે, ભારતના બ્રિટીશ સેનાપતિ જનરલ બોબ લૌકહાર્ટે ભારત સરકારને અંત સુધી અંધારામાં રાખી.

કાશ્મીરે તેના બચાવ માટે પોતાના લશ્કરી ઉપરી નારાયણસિંહને લશ્કર સાથે મોકલ્યા પણ તે ટુકડીના મુસ્લિમ સૈનિકોએ દગો દીધો અને કર્નલને ગોળીએ દઈ આક્રમણખોરો સાથે ભળી ગયા અને આક્રમણખોરોએ શ્રીનગરના માહુરી વિજળીઘર પર કબ્જો જમાવ્યો. શ્રીનગરમાં અંધકાર છવાઈ ગયો. થોડા દિવસમાં એટલે કે ૨૬ ઓકટોબરે હુમલાખોરો શ્રીનગરમાં ઈદ ઉજવશે તેવી તેમણે જાહેરાત કરી.

મહારાજા હરિસિંહે દિલ્હીને એક વિશેષ સંદેશો મોકલ્યો કે કાશ્મીર સંકટમાં છે અને હથિયાર, દારૂગોળો અને લશ્કરી મદદ ત્વરિત મોકલવા અનુરોધ કર્યો. હિન્દ સરકાર પર આ જવાબદારી આવી પડી તેનો સરદાર સાહેબે સહર્ષ સ્વીકાર કર્યો પણ માઉન્ટબેટને તાત્કાલીક કોઈ જવાબ ન આપવા કહ્યું. તેમણે કહ્યુ કે કાશ્મીર સરકારે પાકિસ્તાન સાથે કામચલાઉ કરાર કરેલો છે પણ ભારત સાથે તેમનું કોઈ જોડાણ ન હોવાથી કાશ્મીરમાં હિન્દી લશ્કર જાય તો તે આંતરરાષ્ટ્રીય કાયદાની વિરૂદ્ધ ગણાય. માટે કાશ્મીરે હિંદ સંઘ સાથે જોડાણના કરાર પર સહી કરવી જોઈએ.

સરદાર સાહેબે આ માટે વી.પી.મેનનને તાબડતોબ કાશ્મીર મોકલ્યા. મહારાજા હિંમત હારી બેઠા હતા અને કરાર પણ સહી કર્યા સિવાય બીજો કોઇ વિકલ્પ ન હતો. મેનન સહી કરાવી પાછા આવવાના હતા ત્યારે વિમાન મથક પર તેમની રાહ જોતા સરદાર ઘણો વખત ઉભા રહ્યા. એ આવ્યા પછી તરત જ કેબીનેટની ડિફેન્સ કમીટીની બેઠકમાં ગયા. એ વખતે કેબીનેટમાં વાતાવરણ ગમગીન હતુ ત્યાં શું થયુ તેનો ચિતાર કાશ્મીર સરકારના પ્રતિનિધિ કે જેઓ આ બેઠકમાં હાજર હતા તે શ્રી બક્ષી ગોમ અહેમદે નોંધ્યુ છે કે માઉન્ટબેટનના પ્રમુખ સ્થાને મળેલી આ બેઠકમાં સરદાર પટેલ, નહેરૂ, સંરક્ષણ મંત્રી સરદાર બલદેવસિંહ અને ભારતીય થળ, જળ અને વાયુસેનાના સેનાપતિઓ હાજર હતા. જનરલ બુચરે કહ્યુ કે તેમની પાસેની સાધન સામગ્રી જોતા મીલીટરી મદદ શકય નથી. નેહરૂએ ચિંતાભર્યુ અને અસહાયતાનું વલણ બતાવ્યુ. માઉન્ટબેટન તટસ્થ હતા. સરદારે આ બધુ ધ્યાનથી સાંભળ્ક્ષ્યુ. તેઓ ખુબ જ શાંતિ અને સ્વસ્થતાના નમૂનારૂપ બેઠા હોય તેમ બેઠા હતા. વાતાવરણ ગમગીન-ઉદાસ અને અસહાય હોય તેવુ હતુ. સરદારે એકદમ જોરદાર અવાજ ઉઠાવી, સ્પષ્ટ અને નિર્ણાયક શબ્દોમાં કહ્યુ, સેનાધિપતિઓ સાંભળો, ગમે તે ભોગે કાશ્મીરને બચાવવાનું છે. તમારી સાધન સામગ્રી હોય કે ન હોય, તમારે આ કાર્ય પાર પાડવાનુ છે. સરકાર સર્વરીતે મદદ કરશે. જરૂર, જરૂર, જરૂરથી આ કામ પાર પાડવાનુ છે તમે ગમે તે રીતે કરો પણ કરો જ. કાલે સવારથી આ 'ઓપરેશન એરલીફટ' શરૂ કરી દેવાનુ છે.

આટલુ કરી સરદાર મીટીંગ છોડીને ચાલ્યા ગયા. આમ કાશ્મીરનો બચાવ સરદારના નિર્ણાયક અને દ્રઢ નિર્ધારને આભારી છે. બીજા દિવસે દેશના બધા જ હવાઇ જહાજો-સિવિલ-મીલીટરીએ કામમાં લાગી ગયા. ભારતીય લશ્કર ઓકટોબર ૪૭ની આખરમાં શ્રીનગર પહોંચેલુ. તેના ત્રણેક દિવસ પછી સરદાર ત્યાં પહોંચેલા એ વખતનો એક કિસ્સો નોંધવા જેવો છે. બ્રિગેડીયર સેને 'સેન્ડ વોઝ ધ થીડ' નામનું પુસ્તક લખ્યુ છે. તેમાં આ કિસ્સો નોંધ્યો છે. સેન જયારે કાશ્મીરની પરિસ્થિતિ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે સરદાર આંખો મીચીને બેસી રહ્યા હતા. સેનને થયુ કે વૃધ્ધ માણસ છે તેથી ઉંઘી ગયા હશે. આથી તેમણે સંરક્ષણ મંત્રી બલદેવસિંગને ઉદેશીને વાત કરવા માંડી, આખરે જયારે બ્રિગેડિયર સેને પુછયુ કે મારે શું કરવુ ? શ્રીનગરનો બચાવ કે તાયફાવાળાનો સામનો ? બલદેવસિંગ બોલે તે પહેલા  તરત જ સરદારે કહ્યુ 'બંને', સેને કહ્યુ કે પણ અમારી પાસે પુરતા માણસો કે સાધન નથી. સરદારે શું જોઇએ છે તેની યાદી તૈયાર કરવા કહ્યુ. યાદી જેવી સરદારના હાથમાં મુકવામાં આવી ત્યારે તેઓ દિલ્હી જવા તૈયાર થયા. બ્રિગેડિયર સેન તેમને હવાઇ મથકે મુકજા જવા પોતાની કારનો દરવાજો ખોલ્યો ત્યારે સરદારે કહ્યુઃ 'તમે તમારૂ કામ કરો, સમય બગાડવાની જરૂર નથી. ડ્રાઇવર મને મુકી જશે.' સરદારશ્રીએ દિલ્હી જઇને સેને માંગેલી સહાય, એમણે કહેલુ તેના કરતા પણ ઓછા સમયમાં શ્રીનગર પહોંચતી કરેલી.

છેવટે ભારતીય જવાનોએ આક્રમણખોરોને મારી હટાવ્યા. પાકિસ્તાનીઓ વિરૂધ્ધ ભારતીય જવાનોએ સાહસ અને સૈનિક કુશળતાનો પરિચય કરાવ્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો. નિઃસંદેશ તેમણે તેમની શ્રેષ્ઠતા સાબિત કરી દીધી હતી.

ર૧ નવેમ્બરે નહેરુએ એમનું વચન ફરી દોહરાવ્યું કે સંયુકત રાષ્ટ્રસંઘની દેખરેખ હેઠળ કાશ્મીરમાં લોકમત સંગ્રહ કરાવવામાં આવશે. ડીસેમ્બર ૧૯૪૮ ના છેલ્લા અઠવાડીયામાં સંયુકત રાષ્ટ્ર પંચે દિલ્હી અને કરાંચીનો પ્રવાસ કર્યો અને લોકમત માટેના અમુક ઠરાવ કર્યા. પાકિસ્તાન તો તેને સ્વીકારવા ટાંપીને જ બેઠું હતું. આપણું લશ્કર આક્રમણખોરોને કાશ્મીરની ધરતી પરથી ખદેડી મુકે એ પહેલાં જ યુધ્ધવિરામની ઘોષણા કરી નાખી. પરિણામે આજ સુધી એક તૃતીયાંશ કાશ્મીર પાકિસ્તાનના તાબામાં છે. કાશ્મીરની ઘટના અંગે સચોટ ટિપ્પણી કરતાં મેનને કહ્યું છે. મહંમદ ગઝનવીના સમયથી લઇને અર્થાત લગભગ ૮૦૦ વર્ષ પહેલા મોગલકાળના થોડા સમયને બાદ કરતાં ભારત પર ઉતર-પશ્ચિમથી વખતો વખત આક્રમણ થયા છે. સ્વયં ગઝનવીએ આ આક્રમણોનું સત્તર વખત નેતૃત્વ કર્યુ છે. અને પાકિસ્તાન રૂપી રાજય બન્યાને હજુ દસ અઠવાડીયા પણ થયા ન હતાં ત્યાં તો તેણે પહેલું કામ ઉત્તર-પશ્ચિમથી કબાયેલી આક્રમણ કરાવી દીધું. આજે શ્રીનગર તો કાલે દિલ્હીનો વારો. જે રાષ્ટ્ર પોતાની ભૂગોળ કે ઇતિહાસ ભૂલી જાય છે તે પોતાના જ પગ પર કુહાડી મારે છે. સરદારની સલાહની અવગણના કરી કાશ્મીરનો પ્રશ્ન યુનોને સોંપાયો. તેમની ઇચ્છા જૂનાગઢને હૈદરાબાદનું થયું તેમ કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવાની હતી. પણ કમનસીબીએ કાશ્મીરનો પ્રશ્ન યુનોને સોંપાયો અને હજી પણ તે તલવાર આપણી પર લટકતી રહી છે.

- ભરત મોણપરા

પ્રમુખઃ સરદાર યુવા મંડળ-

ભાવનગર. જીલ્લા શ્રેષ્ઠ એવોર્ડ

વિજેતા મો. ૯૪ર૬૯ પ૧૪પ૦

(11:35 am IST)