સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th December 2017

તળાજામાં ટમેટા સહીતનું બકાલું સસ્તું: બટેટા ૧૦ના કિલો

ઓળાના રીંગણા ૧૦ ના કિલો, ફળ-ફ્રુટ માર્કેટમાં પણ તેજીનો ચમકારો

તળાજા તા. ૧૪: તળાજાની બજારમાં વિવિધ વેપાર-ધંધામાં કેટલેક અંશે તેજીનો ચળકાટ જોવા મળી રહ્યો છે. મહામંદીમાંથી પસાર થઇ રહેલા વેપારીઓ બજારમાં ઘરાકી નિકળી હોવાનું કહી રહ્યા છે.

બજારમાં તેજી પાછળનું આશ્ચર્ય જનક કારણ લોકો ગણાવી રહ્યા છે. ચૂંટણી સમય દરમ્યાન મુકવામાં આવેલ ઉમેદવારો તરફથી નાણાની ખુલ્લી થેલીઓ તથા બહાર ગામથી આવેલ પોલીસ, અર્ધલશ્કરી દળો, બહાર ગામથી મતદાન કરવા લવાયેલ લોકો પણ માનવામાં આવે છે.

તે ઉપરાંત કાર્યાલયોમાં બંને સમય ધમધમતા રસોડા ચાલુ થયેલા તાવડાઓને લઇ કરીયાણા, શાકમાર્કેટ, ચા-પાન માવાની દુકાનો, તૈયાર ગરમ વસ્ત્રો સહીતમાં તેજી આવી છે.

કહેવાય છે કે બંને મુખ્ય પક્ષો દ્વારા શરૂ કરવામાં આવેલ રસોડામાં હજારો માણસો દિવસ-રાત્રી દરમિયાન જમતા હતા.

શાક માર્કેટના વેપારીઓના જણાવ્યા પ્રમાણે રૂ. ૮૦ના કિલો મળતા ટમેટા આજે ર૦ થી ૩૦ સસ્તા થયા છે. બટેટા પણ ૧૦ના કિલો થયા છે. મેથી, કોથમરી સહીતની ભાજી અને શિયાળાના લીલોતરી શાક પણ રૂ. ૧૦ ોથી ૪૦ના કિલો મળવા લાગ્યા છે.

ફ્રુટના વેપારી આર. કે. ના કહેવા પ્રમાણે જમરુખ, દાડમ, પોપૈયા, સફરજન અને કેળા પણ પહેલા કરતા સસ્તા થયા છે. સાથે બજારમાં પણ ઘરાકી સારા પ્રમાણમાં નિકળી છે.

ચૂંટણીને અનુલક્ષીને ટેક્ષી, રીક્ષા, ફોર વ્હીલ સહીતના વાહનો ઉમેદવારો તરફથી દોડાવવામાં આવ્યા હોઇ અને રોકડા નાણાનો વ્યવહાર જ ચાલતો હોઇ બજારમાં તેજીના કારણ પાછળ એ પણ માનવામાં આવે છે.

ચૂંટણીની સાથે લગ્નની મૌસમપણ પુર બહારમાં ખીલી હોઇ તળાજાની બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(11:25 am IST)