ખારચીયા રહેતાં ૨૨ વર્ષના યુવાનનું પાંચવડા પાસે ‘હિટ એન્ડ રન'માં મોત
મુળ મધ્યપ્રદેશનો યુવાન પિતાને જીવાપર મુકી પરત આવતો હતો ત્યારે બનાવ
રાજકોટ તા. ૧૪: સરધારના ખારચીયા ગામે વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના ભનતન ચિમનભાઇ બાંભણીયા (ઉ.૨૨) નામના યુવાનનું જસદણના પાંચવડા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં મોત નિપજ્યું છે.
ભનતન ૧૩/૧૧ના રોજ પોતાના બાઇકમાં પિતા ચિમનભાઇને બેસાડી જીવાપર ગામની વાડીમાં તેઓ મજૂરી કરતાં હોઇ ત્યાં મુકવા ગયો હતો. ત્યાંથી પરત ખારચીયા આવી રહ્યો હતો ત્યારે પાંચવડા પાસે કોઇ કારનો ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી ગયો હતો.
આ અકસ્માતમાં ભનતનને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં જસદણ પોલીસને જાણ કરાઇ હતી. દરમિયાન આજે સવારે તેણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેના મોતથી એક પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવી છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ જરૂરી કાર્યવાહી કરી જસદણ પોલીસને જાણ કરી હતી.