સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th November 2019

ઉદ્યોગપતિ ઉપર હુમલોઃ અલંગ શીપમાં બંધનુ એલાન

બટુકભાઇ માંગુકીયા ઉપરના હુમલાના પગલે શિપબ્રેકરો, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો દ્વારા કલેકટરને રજૂઆતઃ આરોપી સામે કડક પગલાની માંગણી

ભાવનગર તા. ૧૪ :.. ભાવનગરનાં શીપબ્રેકરો પર થયેલા હુમલાના પગલે શિપબ્રેકરો - ઉદ્યોગપતિઓ, રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં કલેકટર કચેરી એ દોડી ગયા હતાં. ભાવનગરનાં પ૮ એસોસીએશને બનાવને વખોડી કાઢી આરોપી સામે કડક પગલાથી માંગ કરી છે.  અને અલંગ શીપ યાર્ડ આજે અડધો દિવસ બંધ રહ્યુ છે.

ભાવનગરમાં રહેતા અને અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં વ્યવસાય કરતાં અગ્રણી શીપ બ્રેકર બટુકભાઇ બી. માંગુકીયા તેની મર્સીડીઝ કાર નં. જી.જે.-૪-સીએ ૭૦૦૯ લઇ અલગ જઇ રહ્યા હતા ત્યારે બુધેલ ગામ નજીક ઓવટેક કરવા બાબતે સ્કવોડા કારમાં આવેલા શખ્સોએ બોલાચાલી કરી ડ્રાઇવર જયેન્દ્ર જોષી  તથા શીપબ્રેકર બટુકભાઇ માંગુકીયા ઉપર હૂમલો કર્યો હતો. આ સમયે ત્યાંથી પસાર થઇ રહેલા અગ્રણી શીપબ્રેકર જીવરાજભાઇ પટેલ અને મુકેશભાઇ માંગુકીયાએ પોતાની કાર ઉભી રાખી વચ્ચે પડતાં આ બન્ને શીપબ્રેકરો ઉપર પણ આ શખ્સોએ હૂમલો કર્યો હતો.

આ બનાવનાં ઘેરા પડઘા પડયા છે. અને ભાવનગરનાં શીપબ્રેકરો, ઉદ્યોગપતિઓ અને રાજકીય અગ્રણીઓ  કલેકટર કચેરી ખાતે દોડી ગયા હતાં. અને ગુંડાગીરી કરનારા શખ્સો સામે કડક પગલા  ભરવા રજૂઆત કરી હતી. ભાવનગરનાં અલગ અલગ પ૮ એસોસીએશને બનાવને વખોડી જીલ્લા પોલીસ વડા, કલેકટર, આઇ. જી. અને છેક ગાંધીનગર સુધી ઉગ્ર રજૂઆત કરી છે.

આ બનાવ અંગે શીપબ્રેકર બટૂકભાઇ માંગુકીયાએ વરતે જ પોલીસ સ્ટેશનમાં બુધેલનાં દાનસીંગ મોરી, ભવાનીસીંગ મોરી, હઠીસિંહ, ભગવાનભાઇ અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:45 am IST)