સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th November 2018

એકસાથે ૧૯ સિંહ નજરે પડતા ખુશીનું મોજુ : વિડિયો વાયરલ

ગીર પંથકમાં હાલમાં ૨૩ સિંહના મોત થયા હતા : સિંહણ, સિંહબાળ અને સિંહ સહિત ૧૯ સિંહોના અદ્ભુત દ્રશ્યને ઉજાગર કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં છવાયો

અમદાવાદ,તા. ૧૪ : ધારી ગીર પૂર્વમાં ૨૩ સિંહોના મોત બાદ સિંહપ્રેમીઓમાં ગમગીની છવાઇ ગઇ હતી. એક સાથે સિંહો જોવા મળતા ન હતા. પરંતુ ૧૯ સિંહો એકસાથે જોવા મળતો વીડિયો વાયરલ થતાં સિંહપ્રેમીઓમાં ઉત્સાહ અને આનંદ છવાયો છે. ધારી પંથકમાં એકસાથે ૧૯ સિંહો જોવા મળ્યા હતા. જેનો નજારો કેમેરામાં કેદ થતાં વન્ય અને પ્રકૃતિ પ્રેમીઓ ખુશીમાં ઝુમી ઉઠયા હતા. ધારી પંથકમાં એકસાથે જોવા મળેલા ૧૯ સિંહોમાં સિંહણ, સિંહબાળ અને સિંહનો સમાવેશ થાય છે. ધારી પંથકમાં જંગલની ધાર પર એકસાથે ૧૯ સિંહો બેઠા હોય કોઇએ આ નજારાનો વીડિયો પોતોના મોબાઇલમાં કેદ કરી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેને પગલે સિંહપ્રેમીઓ અને વન્ય જીવપ્રેમીઓમાં ભારે ખુશી અને ઉત્સાહની લાગણી પ્રસરી હતી. બે મહિના પહેલાં જૂનાગઢના દલખાણિયા અને જસાદણ રેન્જમાં એક પછી એક એમ કુલ ૨૩થી વધુ સિંહોના મોતની ઘટના બાદ ગુજરાત સહિત દેશભરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની ગંભીરતાને લઇ કેન્દ્રની ટીમને તાબડતોબ ગુજરાત સિંહોની તપાસ માટે મોકલાઇ હતી તો, અમેરિકાથી સિંહોને બચાવવા અને તેમના રક્ષણ માટેની ખાસ રસી મંગાવવામાં આવી હતી. સિંહોના મોતના ચકચારભર્યા પ્રકરણ બાદ એકસાથે ધારી પંથકમાં એક સાથે ૧૯ સિંહો  નજરે પડતાં આ દ્રશ્ય જોતાં જ સૌકોઇના ચહેરા પર ખુશી આવવી સ્વાભાવિક છે. હાલ તો, એકસાથે ૧૯ સિંહોને દર્શાવતો વીડિયો સોશ્યલ મીડિયામાં જોરદાર રીતે છવાયેલો જોવા મળી રહ્યો છે.

(9:02 pm IST)