સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th November 2018

સુત્રાપાડા બંદરને ફીશરીઝ હાર્બર બંદર તરીકે વિકસાવવાની મુખ્‍યમંત્રીને રૂબરૂ રજૂઆત

પ્રભાસપાટણ, તા. ૧૪ : પ્રાંસલી મુકામે માર્કેટીંગ યાર્ડના ઉદ્‌ઘાટન પ્રસંગે આવેલ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને સુત્રાપાડા બંદરને ફીશરીઝ હાર્બર બંદર તરીકે વિકસાવવાની કામગીરી બાબતે સુત્રાપાડા બંદરના આગેવાનોએ મુખ્‍યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ અને જણાવેલ કે સુત્રાપાડા બંદરને ફીશરીઝ હાર્બર બંદર તરીકે વિકસાવવાની અમારી માંગણી સતત ૧૯૯પથી સરકારમાં કરવામાં આવી રહેલ છે.

આ કામગીરી અત્‍યાર સુધી કરવામાં આવેલ નથી. સુત્રાપાડા બંદર સતત ૧૯૯પથી એકતરફી ભારતીય જનતા પાર્ટીને ૯ર થી ૯પ % સુધી મતદાન હર ચૂંટણીમાં કરે છે અને આ રીતે સુત્રાપાડા બંદરએ ભાજપનો ગઢ ગણાય છે, પરંતુ વર્ષો જૂની માંગણી જે સુત્રાપાડા બંદરની જીવાદોરી રૂપે છે તેની સંતોષકારક કોઇ જાતની કામગીરી થયેલ નથી. હાલના વડાપ્રધાન અને તાત્‍કાલીન મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઇના સ્‍વમુખે પણ ઓમનાથ મુકામે તા. ર૦-૪-ર૦૧રના રોજ સુત્રાપાડા બંદરને તાત્‍કાલીક ધોરણે વિકસાવવામાં આવશે તેવી જાહેરાતો કરવામાં આવેલ છતા કામગીરી થયેલ નથી.

છેલ્લે મળેલ માહિતી મુજબ અત્‍યારે અમારા કામ માટે કેન્‍દ્રમાંથી એનજીટી સંસ્‍થાનું એન.ઓ.સી. લેવાનું બાકી હોય તેમ જાણવા મળેલ છે. તો આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે માટે દિલીપભાઇ સાંજણી, કાનજીભાઇ સકોતરીયા, જેઠાભાઇ બારૈયા, બંદરના સરપંચ અને આગેવાનોએ મુખ્‍યમંત્રીને રૂબરૂમાં લેખિતમાં રજુઆત કરેલ છે તેમજ આર.સી. ફડદુ, પરસોતમ સોલંકી, સાંસદ રાજેશ ચુડાસમા અને ચુનિભાઇ ગોહેલને રજૂઆત કરેલ છે અને તાત્‍કાલીક આ કામગીરી પૂર્ણ કરવા માંગણી કરેલ છે.

(10:17 am IST)