સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

મોરબી ટ્રાફિક જમાદાર અને લોકોએ જાતે રસ્તાની મરામત કરી!!

રવાપર ચોકડીથી વર્ધમાન સોસાયટી તરફના રસ્તા ટ્રાફિક જમાદાર, વૃક્ષપ્રેમી સહિતના લોકોએ સમથળ કરાવ્યો

મોરબીમાં ચોમાસામાં અનેક માર્ગો ધોવાઈ ગયા છે. તંત્રના રોડ રીપેરીંગના દાવા વચ્ચે ઘણા રોડની હાલત હજુય ખરાબ છે. તેથી તંત્રના પાપે આપના હાથ જગન્નાથની જેમ લોકોને જાતે જ ખરાબ રસ્તાની મરામત્ત કરવી પડી છે.જેમાં રવાપર ચોકડીથી વર્ધમાન સોસાયટી તરફના રસ્તા ટ્રાફિક જમાદાર, વૃક્ષપ્રેમી સહિતના લોકોએ સમથળ કરાવ્યો હતો.


મોરબીના રવાપર ચોકડી થઈ વર્ધમાન ચોકડી તરફ ઓમ પાર્ટી પ્લોટ બાજુનો રસ્તો ખરાબ હાલતમાં હતો. રોડ ખરાબ હોવાને લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમજ રોડ ઉપર મસમોટા ગાબડાને કારણે નાના-મોટા અકસ્માત બને છે.આ રોડની આવી ખરાબ હાલત હોવા છતાં તંત્રની ઉંઘ ન ઉડતા અંતે સ્થાનિક રહેવાસીઓ આ રોડના રીપેરીંગ માટે જાતે જ કમર કસી હતી. જેમાં વૃક્ષપ્રેમી જીવરાજબાપા લિખિયા, આ સ્થળે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ દેવજીભાઈ બાવરવા, સાંવરિયા જીતેન્દ્રભાઈએ સાથે મળીને આ રસ્તાને સમથળ કર્યો છે અને રોડ ચાલવા યોગ્ય બનતા વાહન ચાલકોએ રાહત અનુભવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્થળે એક બાજુનો રસ્તો નવો બનાવવા માટે ખોદી નાખ્યો છે. આથી ડાઈવર્ઝન આપેલા સામેની સાઈડ એટલે કેનાલની બીજી બાજુ કાચા રસ્તાને ચાલવા યોગ્ય બનાવવાની કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય છે.પણ કોન્ટ્રાક્ટરે આ જવાબદારી ન નિભાવતા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક લોકોએ આ કામગીરી કરવી પડી હતી

(10:07 pm IST)