સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

દ્વારકા ડેપ્યુટી કલેકટર ભેટારીયા ૩ લાખની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોની ટ્રેપમાં આબાદ સપડાયા

જામનગરના એક મોટા ગજાના રાજકારણીના આ અધિકારી ઉપર ચાર હાથ હોવાથી તેમનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે તેવી છાપ વચ્ચે એસીબીની સરાહનીય કામગીરી : હથિયાર લાયસન્સ ઈસ્યુ કરવા બદલ લાંચ માંગેલી : લાંબા સમયથી ભેટારીયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો 'ઓફ ધી રેકોર્ડ' થઈ રહ્યા હતા : આ વચ્ચે ગાંધીનગર એસીબીને મળેલી ફરીયાદ સંદર્ભે અત્યંત ગુપ્ત રાહે કામગીરી

રાજકોટ, તા. ૧૪ : દેવભૂમિ દ્વારકાના પ્રાંત અધિકારીના ચાર્જમાં રહેલા ડેપ્યુટી કલેકટર ભેટારીયા આજે બપોરે ૩ લાખની લાંચના છટકામાં એન્ટી કરપ્શન બ્યુરોના હાથમાં આબાદ સપડાઈ ગયા હતા. આ અધિકારી વિરૂદ્ધ લાંબા સમયથી ભ્રષ્ટાચારના આક્ષેપો છાના ખૂણે થઈ રહ્યા હતા. આ વચ્ચે ગાંધીનગર એસીબીને દ્વારકા નજીકના કુરંગા ગામના રહેવાસીએ ફરીયાદ કરી હતી. જેના આધારે આજે આ ટ્રેપ થયાનું જાણવા મળે છે.

કુરંગા ગામના ફરીયાદી પાસેથી પાકરક્ષણ માટે હથિયાર લાયસન્સ ઈસ્યુ કરવા થયેલી માંગણી સંદર્ભે ભેટારીયાએ ૩ લાખની લાંચ માંગી હતી. ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એન્ટી કરપ્શન વિભાગને ફરીયાદ કરી હતી. આજે સવારે કોઈને પણ ભનક ન આવે તે રીતે ગાંધીનગરથી એસીબીની ટુકડી દ્વારકા પહોંચી હતી અને અત્યંત ગુપ્ત રાહે છટકુ ગોઠવ્યુ હતું. ફરીયાદી દ્વારા લાંચની રકમ ભેટારીયાને પહોંચાડવામાં આવી હતી. આ દરમિયાન છુપા વેશે રહેલા એસીબીના અધિકારીઓ ઓચીંતા પ્રગટ થયા હતા અને લાંચ લેતા નિહાર ભેટારીયાને રંગેહાથ ઝડપી લીધા હતા.

ચર્ચાતી વિગત મુજબ નિહાર ભેટારીયા સરકારી કામો માટે લાંચ લેતા હોવાની અનેક વાતો ચર્ચામાં આવી હતી પરંતુ સત્તાવાર રીતે કોઈ ફરીયાદ કરતુ ન હોવાથી હજુ સુધી બચી રહ્યાનું દ્વારકાના સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળે છે. વધુ વિગતો મેળવાઈ રહી છે.

(4:07 pm IST)