સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

પોરબંદરની કેમીકલ્સ ફેકટરીમાં નિયમ મુજબ કવોલીફાઇડ સ્ટાફ ફરજીયાત રાખવા માંગણી

કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

પોરબંદર, તા., ૧૪: બીરલા (નિરમા) કેમીકલ્સ ફેકટરીમાં સેફટી ઓડીટ કરાવવા તેમજ ફેકટરીમાં નિયમ મુજબ કવોલીફાયડ સ્ટાફ ફરજીયાત રાખવાની માંગણી સાથે કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવેલ કે છેલ્લા ૪૫ દિવસમાં પોરબંદર સોડા એશની ફેકટરી સૌરાષ્ટ્ર કેમીકલ્સ લી. (નિરમા ફેકટરી)માં એકસીડેન્ટ થતા ત્રણ મજુરોના કરૂણ મૃત્યુ થયેલ અને પાંચ મજુરોને ગંભીર ઇજાઓ થયેલ છે. ફરીથી તા.૧૩-૧૦-ર૦ર૧ના રોજ આ જ ફેકટરીમાં ફરીથી એકસીડેન્ટને કારણે એક મજુરનું મૃત્યુ થયેલ છે અને ૪ વ્યકિતઓને ગંભીર ઇજાઓ થયેલ છે. એકસીડેન્ટને કારણે ૯૦ દિવસ સુધી સૌરાષ્ટ્ર કેમીકલ્સ લી. (નિરમા ફેકટરી)ને બંધ કરવાનો રાજય સરકર દ્વારા નિર્ણય કરવામાં આવેલ છ જે પોરબંદરના અર્થતંત્રની કમર તોડનારો છે.

ફેકટરી બંધ કરવાને કારણે આ ફેકટરીમાં કામ કરતા પ૮પ જેટલા કાયમી કર્મચારીઓ કામદારો તેમજ રપ૦૦ જેટલા કોન્ટ્રાકટ પધ્ધતીથી ભરતી કરેલા કામદારો અને કર્મચારીઓ બેકાર થશે અને આ ફેકટરી પર નભનારા ટ્રક ચાલકોથી માંડીને બીજી પરોક્ષ રોજગારી મેળવનારાઓ બેરોજગાર થશે.

આ ફેકટરીમાં અગાઉ જયારે દુર્ઘટનાઓ બની ત્યારે સેફટી એસેસમેન્ટ કરવામાં આવ્યું નહી અને ફેકટરી ઇન્સ્પેકટરે પણ ફેકટરી એકટ પ્રમાણે કવોલીફાઇડ માણસોની ચકાસણી કરવામાં ન આવી.  ફેકટરી ઇન્સ્પેકટરની અને સેફટી ઓફીસરની બેદરકારીને કારણે જીવલેણ ઘટનાનું પુનરાવર્તન થયું છે તેમ રજુઆતમાં જણાવાયું છે.

(12:37 pm IST)