સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

બાબરામાં જમાઇના ઘરેથી નીકળેલા દેવીપૂજક વૃધ્ધા કુંવરબેનની આંખ ફોડી કાન-નાકના ઘરેણાની લૂંટ

બાઇક પર આવેલા સ્ત્રી-પુરૂષ-છોકરાએ લૂંટ ચલાવીઃ લોહીલુહાણ વૃધ્ધાને બાબરા હોસ્પિટલ નજીક ફેંકી દેવાયાઃ આટકોટના વતની વૃધ્ધાને સારવાર માટે રાજકોટ આંખની હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ તા. ૧૪: આટકોટ રહેતાં દેવીપૂજક વૃધ્ધા કુંવરબેન વેરશીભાઇ સાડમીયા (દેવીપૂજક) (ઉ.વ.૭૫) બાબરા જમાઇના ઘરેથી નીકળ્યા ત્યારે રસ્તામાં બાઇક પર આવેલા અજાણ્યા સ્ત્રી-પુરૂષ અને એક છોકરાએ તેને અવાવરૂ જગ્યાએ લઇ જઇ આંખમાં છરી ભોંકી દઇ કાન-નાક-ગળામાંથી સોના ચાંદીના ઘરેણા લૂંટી લેતાં અને બાદમાં વૃધ્ધાને બાબરા હોસ્પિટલ સામે મંદિર નજીક ફેંકી દેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ આંખના વિભાગમાં દાખલ કરાયા છે.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બાબરા પોલીસને જાણ કરી હતી. કુંવરબેનના સગાએ જણાવ્યું હતું કે કુંવરબેનને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પતિ હયાત નથી. પોતે ભીક્ષાવૃતિ કરી ગુજરાન ચલાવે છે. પરમ દિવસે તેઓ બાબરા રહેતાં જમાઇ વના કુરજીભાઇ અને દિકરીના ઘરે આટો મારવા ગયા હતાં. સાંજે સાડા છએક વાગ્યે ત્યાંથી આટકોટ જવા નીકળ્યા બાદ  સાંજે સાતેક વાગ્યે તે આંખ ફુટી ગયેલી હાલતમાં અને નાક-કાનમાં ઇજા થયેલી હાલતમાં બાબરાની હોસ્પિટલ સામેથી મળતાં ગામ લોકો આ વૃધ્ધાના જમાઇ વનાભાઇને ઓળખતાં હોઇ તેને જાણ કરતાં તેણે બાબરા હોસ્પિટમલાં સારવાર માટે ખસેડ્યા હતાં. ડાબી આંખમાં છરી ઝીંકાઇ હોઇ આંખ ફુટી ગયાનું જણાતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.
કુંવરબેને કહ્યું હતું કે પોતે આટકોટ જવા નીકળ્યા ત્યારે રસ્તામાં મોટર સાઇકલ પર એક ભાઇ, એક બાઇ અને એક છોકરો આવ્યા હતાં. તે મને અવાવરૂ જેવી જગ્યાએ લઇ ગયા હતાં અને મારા કાન-નાક-ગળામાંથી ચાંદીની કંઠી, નખલી, કડીઓ ખેંચી લીધા હતાં. મેં પ્રતિકાર કરતાં મારી આંખમાં છરી મારી દીધી હતી. બાબરા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

 

(11:55 am IST)