સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

તરણેતર મેળામાં પાળીયાદના પૂ. નિર્મળાબાના હસ્તે ધ્વજારોહણ

પરંપરાગત ભાતીગળ લોકમેળાએ પ્રાચીન લોક સંસ્કૃતિને જીવંત રાખી છેઃ મેળાની મોજ માણતા લોકો

વઢવાણ તા.૧૪ : સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ભાદરવા સુદ ત્રીજના દિવસથી આરંભાયેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત તરણેતરના ભાતીગળ લોકમેળાના કાલે બીજા અને ગણેશચતુર્થીના પવિત્ર દિને  સવારના ૧૦-રપ કલાકે ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પાળિયાદના પ.પૂ. વિસામણબાપુની જગ્યાના મહંત પ.પૂ. નિર્મળાબા ઉનડબાપુઅ ધ્વજાજીનું પૂજન-અર્ચન કર્યા બાદ ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. સાથે લખતર સ્ટેટના શ્રી યશપાલસિંહજી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહંત પ.પૂ. નિર્મળાબાએ વર્ષોથી ચાલી આવતી ધ્વજારોહણની પરંપરા અંગે જાણકારી આપી આશિવર્ચન પાઠવ્યા હતા.

ધ્વજારોહણના પ્રસંગે અગ્રણી શ્રી રામકુભાઇ ખાચરે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે પાંચાળની પવિત્ર ભૂમિ તરણેતર ખાતે વર્ષોથી યોજાતા પરંપરાગત ભાતીગળ લોકમેળાએ પ્રાચીન લોકસંસ્કૃતિને જીવંત રાખી છ.ે મેળામાં પરંપરાગત ડ્રેસ, પાવા, બળદ ગાડા, શરણાઇ, રાસમંડળઓ વધારેમાં વધારે સંખ્યામાં ભાગ લઇ મેળાની શાન જાળવી રાખે તેવો અનુરોધ પણ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખરી કલ્પનાબેન ધોરીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી સોમાભાઇ પટેલ, અગ્રણી સર્વશ્રી ભયલુભાઇ, કરમશીભાઇ રંગપરા, મેરૂભાઇ ખાચર, ચેતનભાઇ ખાચર, હામાભાઇ બલ્યા, શાહબુદીનભાઇ રાઠોડ, પ્રતાપભાઇ ભગત, દેવકુભાઇ ખાચર, સરપંચ શ્રીમતી વનિતાબેન ખમાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.(૬.૫)

(12:20 pm IST)