સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

ભારતીય રેલવે કરાર આધારિત કર્મચારીઓના શ્રમ અધિકારોના અમલ માટે ઇ-એપ્લિકેશન વિકસાવશે

રેલ મંત્રી પિયૂષ ગોયલ દ્વારા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પત્રનો જવાબ

જામનગર તા. ૧૪ : ભારતીય રેલવે કરાર આધારીત કર્મચારીઓ માટે લઘુત્ત્।મ વેતન, વેતન ચુકવણી, વગેરે જેવા મજૂર અધિકારોના ખાતરીબધ્ધ અમલને લગતી બાબતો માટે ખાસ ઇ-એપ્લિકેશન વિકસાવી રહી છે. રાજયસભા સાંસદ શ્રી પરિમલ નથવાણીએ શતાબ્દી, રાજધાની, દુરન્તો વગેરે જેવી વિવિધ લાંબા અંતરની ટ્રેનોના રેલવે કોચમાં પરિચારકો તરીકે સેવા આપતા કર્મચારીઓની તકલીફો અંગે ચિંતા વ્યકત કરી હતી.

શ્રી નથવાણીના પત્રના જવાબમાં કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ભારતીય રેલવે  ઇ-એપ્લીકેશન 'કોન્ટ્રાકટ, લેબર પેમેન્ટ મેનેજમેન્ટ પોર્ટલ ઓન ઇન્ડિયન રેલવે' વિકસાવી રહી છે, જેમાં રેલવે ઠેકેદારો સાથે સંકળાયેલા કરાર આધારીત કર્મચારીઓના નામ, સરનામા, આધાર નંબર, બેંક વિગતો, વેતન ચૂકવણી, વગેરે જેવી વિગતો ઠેકેદારો દ્વારા દાખલ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઇ-એપ્લિકેશન કોન્ટ્રાકટ સ્ટાફ માટે લઘુતમ વેતન, વેતન ચૂકવણી વગેરે જેવી મજૂર અધિકારોની બાબતોની અમલવારીને સુનિશ્ચિત કરશે.

શ્રી નથવાણીએ તેમના પત્રમાં કોચ પરિચારકો તરીકે સેવા આપતા કર્મચારીઓને ચૂકવવામાં આવતા નીચા પગાર અંગે ચિંતા વ્યકત કરી હતી. તેમણે એ બાબતે પણ ધ્યાન દોર્યું હતું કે, કોચના પરિચારક કર્મચારીઓને માત્ર બે જોડી ગણવેશ આપવામાં આવે છે, જેથી તેમને ગણવેશને સ્વચ્છ અને સુઘડ રાખવાનો કે ઇ સ્ત્રી કરવાનો સમય મળતો નથી. તદ્ઉપરાંત ટ્રેનના આગમન અને પ્રસ્થાન વચ્ચેના ટૂંકા ગાળાને લીધે આ કર્મચારીઓને આરામ કરવા માટે પણ પૂરતો સમય મળતો નથી, એમ પણ શ્રી નથવાણીએ જણાવ્યું હતું.

શ્રી નાથવાણીએ મંત્રીશ્રીને આ બાબતામાં ઘટતું કરવા તેમજ કરારના સંદર્ભમાં મુળભૂત ફેરફારો કરી કામ કરવાની પરિસ્થિતિઓ, વેતન માળખાં અને કોચ પરિચારકોની સુવિધાઓ સુધારવા માનવતાવાદી અભિગમ અપનાવવા માટે વિનંતી કરી હતી. તેમણે મંત્રીશ્રીને એમ પણ વિનંતી કરી હતી કે, નિયુકત ઠેકેદારો દ્વારા ભારતીય રેલવે માટે કોન્ટ્રાકટ પર કાર્યરત કામદારોને તમામ મળતા લાભ આપવામાં આવે

જાન્યુઆરી ૨૦૧૮માં, રેલવેના રાજયકક્ષાના પ્રધાન શ્રી રાજેન ગોહૈને લોકસભામાં જણાવ્યું હતું કે, રેલવેમાં ૯૪,૧૬૫ કોન્ટ્રેકટ કર્મચારીઓ છે અને આઉટસોર્સ વર્કની પ્રકૃતિ અને પરિમાણના આધારે સીધી રીતે ઠેકેદારોને આ કામ માટે નિયુકિત આપવામાં આવે છે.(૨૧.૧૧)

(12:19 pm IST)