સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 14th August 2022

મોરબી માટે ઐતિહાસિક ક્ષણ : ઉમિયા સર્કલ ખાતે 108 ફૂટ ઊંચા તિરંગાનું લોકાર્પણ.

રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા અને સાંસદોની ઉપસ્થિતિમાં રૂ. 9 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરાયું

 મોરબીવાસીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક બની રહ્યો છે. શહેરના ઉમિયા સર્કલ ખાતે 108 ફૂટ ઊંચા તિરંગાનું રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ સાંસદ મોહનભાઇ કુંડારિયા અને વિનોદભાઇ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ રૂ. 9 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા. જેમાં કન્યા છાત્રાલય રોડ ઉપર સોસાયટીના રોડનું ખાતમુહૂર્ત, પાલિકાના ડોર ટુ ડોર વાહનોનું લોકાર્પણ, 6 હજાર એલઇડી લાઈટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વધુમાં સર્કલ તૈયાર કરનાર ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે લોકાર્પણ બાદ હવે108 ફૂટ ઊંચા પોલ ઉપર ધ્વજ 24 કલાક ફરકતો રહેશે. સાથે લાઇટિંગ પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા

(8:37 pm IST)