સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th August 2020

ધોરાજી નગરપાલિકાના શાશકપક્ષના નગરસેવકો સહેલગાહે: આગામી 20 તારીખે પ્રમુખપદ માટે ચૂંટણી યોજાશે

પાલિકામાં સત્તા હાંસિલ કરવા ભાજપની છાનાખુણે કવાયત...

ધોરાજી :- ધોરાજી નગરપાલિકામાં પ્રમુખ પદે અનુ. જાતિની અનામત બેઠકનો અઢીવર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં હવે ફરી આગામી અઢીવર્ષ માટે પ્રમુખ તરીકે મહિલા અનામત (સામાન્ય ),બેઠક માટે આગામી 20 તારીખે પ્રમુખપદની ચૂંટણી યોજવા તંત્ર દ્વારા જાહેર થતા ધોરાજી પાલિકાના રાજકારણમાં ફરી ગરમાવો વ્યાપી ગયો છે.
 ગત અઢીવર્ષ દરમિયાન કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં પ્રમુખ તરીકે રહેલા નગરપતિ ડી. એલ. ભાષા દ્વારા ધોરાજી શહેરમાં ખાસ કરીને રોડ રસ્તાના કામોને અગ્રીમતા અપાઈ હતી.
હવે મહિલા અનામત (સામાન્ય ) સીટ હોવાથી નગરપાલિકામાં કોંગ્રેસ પોતાનું શાસન ટકાવી રાખવા પ્રયત્નશીલ છે. નગરપાલિકાની કુલ સભ્ય સંખ્યા 36 છે. જે પૅકી કોંગ્રેસ 22 ની સભ્ય સંખ્યા ધરાવે છે. જ્યારે વિપક્ષમાં રહેલ ભાજપ પાસે સભ્ય સંખ્યા 14 ની છે.
 ધોરાજી નગરપાલિકામાં સત્તાની ખેંચતાણ થાય તેવા પ્રયત્નો થવા લાગ્યા છે. કોંગ્રેસ પોતાની સત્તા ટકાવી રાખવા અને ભાજપ સત્તામાં આવવા માટે છાનાખુણે પ્રયાસો કરી રહ્યા છે.ત્યારે વર્તમાન સમયમાં કોઈ પ્રકારનું જોખમ ન ઉઠવવા કોંગ્રેસ દ્વારા સલામતી ભર્યું પગલું ભરાયું છે.
  અંતરંગ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ હાલ નગરપાલિકાના કોંગ્રેસના 22 પેકી મોટાભાગના સભ્યો અને વિવિધ સમિતિના ચેરમેન સહેલગાહે ઉપડી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ કોંગ્રેસના મોટા ભાગના સભ્યો ઉત્તર ગુજરાત તરફ હોવાની માહિતી મળી રહી છે. ધોરાજી કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકીય ચોગઠા બાજીના મહારથી ગણાતા લાલિતભાઈ વસોયા પાલિકામાં કોંગ્રેસનું શાશન ટકાવી રાખવા પ્રયત્નશીલ છે. જ્યારે કોંગ્રેસને સતત તોડવા માટે જાણીતા ભાજપ દ્વારા આગામી અઢીવર્ષ માટે પાલિકા ખૂંચવી લેવા કવાયત હાથ ધરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.પાલિકામાં કોની સત્તા રહેશે તે આગામી સમય જ બતાવશે.

(6:12 pm IST)