સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

વિસાવદર એપોલો ઇન્ટરનેશનલ સ્કુલમાં વાલીઓની ફરીયાદ બાદ કાર્યવાહી કરાશે

તસ્વીરમાં શાળા-સંચાલક માર મારતા નજરે પડે છે.

જુનાગઢ, તા., ૧૪: જુનાગઢ જીલ્લાના વિસાવદરમાં આવેલી એપોલો ઇન્ટરનેશનલ સ્કુલમાં શાળા સંચાલક ૬ વિદ્યાર્થીઓને માર મારતા હોય તેવો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયા બાદ આ પ્રકરણમાં વાલીઓ અથવા તો વાલી મંડળ દ્વારા ફરીયાદ કરવામાં આવ્યા બાદ કાર્યવાહી કરાશે તેમ ડીડીઓશ્રીએ જણાવ્યું હતું.

વિસાવદરની એપોલો ઇન્ટરનેશનલ સ્કુલમાં રપ જુલાઇએ બનેલી ઘટનામાં સ્કુલના સંચાલક છગનભાઇ જોધાણીએ  પોતાની ઓફીસમાં ધો.૧૧ સાયન્સના છ છાત્રોને બોલાવીને સીસીટીવી બતાવીને એક પછી એક વિદ્યાર્થીને આડેધડ માર મારતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. જેમાં જે તે વખતે કલાસમાં સાથે અભ્યાસ કરતી છ વિદ્યાર્થીનીને આ છાત્રો હેરાન પરેશાન કરતા હોવાની ફરીયાદ મળતા સંચાલકે છાત્રોને માર માર્યાનું બહાર આવ્યું છે.  શાળાના સંચાલક છગનભાઇ જોધાણીએ જણાવ્યું કે આ વિડીયો સાચો જ છે. પરંતુ આ છાત્રો દ્વારા વિદ્યાર્થીનીઓને કલાસમાં પરેશાન કરતા હોવાની ફરીયાદ મળી હતી. જેથી તેમના વાલીઓને બોલાવીને જાણ કરવા વાલીઓના દબાણના કારણે જ માર માર્યો હોવાનું જણાવી રહયા છે. આ અંગે કોઇ વાલીઓએ વાંધો ઉઠાવ્યો નથી. માત્રને માત્ર તેમની સંસ્થાને બદનામ કરવા માટે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે.

જો કે આ ઘટના અંગે વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીના વાલીઓ દ્વારા સંચાલક સામે કોઇ જ ફરીયાદ કરી નથી. પરંતુ શાળાના જ કોઇએ આ વિડીયો કેપ્ચર કરીને વાયરલ કર્યાનું જણાઇ આવ્યું છે. આ મામલે શિક્ષણાધીકારીએ જણાવ્યું કે અમોને જાણમાં આવતા ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રીપોર્ટના આધારે પગલા લેવામાં આવશે.

(3:33 pm IST)