સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

કચ્છના ૫૭ યુવાનોએ એક મહિના સુધી લીધી બીએસએફની આકરી લશ્કરી તાલીમ

ભુજ, તા.૧૪: ગુજરાતના યુવાનો અર્ધ લશ્કરી દળો અને લશ્કરમાં સામેલ નથી થતા એવું મહેણું હવે નવી પેઢીના યુવાનો ભાંગવા માટે પોતાની જાતને શારીરિક રીતે સજ્જ કરી રહ્યા છે. જોકે, આ માટેનું આયોજન કચ્છના યુવાનો માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા બીએસએફના સહયોગ થી કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા રોજગાર કચેરી કચ્છ દ્વારા ૫૭ યુવાનોનું લિસ્ટ બીએસએફને સોંપવામાં આવ્યું હતું. આ ૫૭ યુવાનોને ભુજ સ્થિત બીએસએફની બટાલિયન ૭૯ અને ૧૦૮ ના જવાનોએ એક મહિનાની આકરી તાલીમ આપી હતી. જેમાં શારીરિક કસરતોની સાથે વિવિધ વિષયો પણ ભણાવાયા હતા. આ ૫૭ યુવાનોને દરરોજ ૫ કિલોમીટરની દોડ, ઊંચી કૂદ, લાંબી કૂદ ઉપરાંત શારીરિક ચુસ્તી માટેની આકરી તાલીમ સતત એક મહિનો અપાઈ હતી. તો, તેમને મેથ્સ, જનરલ સાયન્સ, જનરલ નોલેજ, રિઝોઇનિંગ, ઈંગ્લીશ અને હિન્દી વિશેનું પ્રશિક્ષણ પણ અપાયું હતું. અર્ધ લશ્કરી બળો પાસેથી આ તાલીમ લેનાર આ તમામ ૫૭ યુવાનોને કચ્છ બીએસએફના ડીઆઈજી એસ.એસ. ડબ્બાસ, બટાલિયન ૭૯ ના કમાનડન્ટ દિનેશ મુર્મૂ, જે.એસ. બિનજી ની ઉપસ્થિતમાં તાલીમ અંગેના પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. આ તાલીમ લેનાર યુવાનો માટે આર્મી, સીઆરપીએફ તેમ જ અન્ય અર્ધ લશ્કરી દળોમાં જોડાવવાનું સરળ બનશે. મુખ્યત્વે આ તાલીમ લેનાર યુવાન સુરક્ષા એજન્સીઓમાં જોડાઈને દેશની સેવા કરી શકે છે.

(11:42 am IST)