સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

ભુજની પાલારા જેલમાં ચામડીના દર્દીઓ

મેડિકલ કેમ્પ દરમ્યાન તબીબોનું ચોંકાવનારૂ તારણ

ભુજ, તા.૧૪: ભુજની પાલારા જેલ મધ્યે ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ અદાણી ફાઉન્ડેશન અને અદાણી જીકે જનરલ હોસ્પિટલ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત તબીબો દ્વારા ૧૩૯ જેટલા કેદીઓ નું હેલ્થ ચેકઅપ કરાયું હતું. દરમ્યાન આ પ્રસંગે સિવિલ સર્જન ડો. કશ્યપ બુચે ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, પાલારા જેલના કેદીઓમાં ચામડીના રોગોનું પ્રમાણ વિશેષ છે, તે સિવાય આંખ અને હાડકાની તકલીફ અનુભવતા દર્દીઓ વધુ છે. આ અંગે કેદીઓને તેમના સ્વાસ્થ્યની જાળવણી માટે સમજ અપાઈ હતી. આ મેડિકલ કેમ્પને સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ ઉપરાંત જેલ સુપી. ડી.એન. ગોહીલ દ્વારા ખુલ્લો મુકાયો હતો. કેદીઓનું ચેકઅપ અદાણી જીકે જનરલમાં વિવિધ વિભાગોના રેસિડેન્ટ ડોકટરો દ્વારા કરાયું હતું. જેમાં ચામડીના નિષ્ણાત ડો. ઐશ્વર્યા રામાણી, મેડીસીનના ડો. અમિત મિસ્ત્રી, બાળરોગ નિષ્ણાત ડો. કિંજલ પટેલ, સ્ત્રી રોગ નિષ્ણાત ડો. પૂજા ગોરીએ ચેકઅપ કરીને દર્દીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

(11:35 am IST)