સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

કચ્છમાં બબ્બે હત્યાઃ તસ્કરોના હાથે બે સિકયુરીટી ગાર્ડની હત્યા

અલગ અલગ બે ઘટનામાં તસ્કરો હત્યા કરીને નાસી છૂટયાઃ પોલીસ તપાસનો ધમધમાટ

ભૂજ  તા. ૧૪ : કચ્છમા ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. કચ્છના અંજારમાં તસ્કરો દ્વારા બે અલગ અલગ જગ્યાએ ચોરી અને લૂંટની ઘટના દરમિયાન બે સિકયુરીટી ગાર્ડની હત્યા કરીને નાસી છૂટતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. અલગ અલગ જગ્યાએ બે સિકયુરીટી ગાર્ડની હત્યામાં તસ્કર ગેંગ સામેલ હોવાની પોલીસને આશંકા છે. પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તસ્કરોને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.

કચ્છમાં ચોરીના બે બનાવો દરમ્યાન તસ્કરો દ્વારા ડબલ મર્ડરની દ્યટનાએ ચકચાર સર્જી છે. પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસને પડકાર ફેંકતા આ બેવડી હત્યાનો બનાવ અંજારમાં બન્યો છે. અંજાર વરસાણા રોડ ઉપર આવેલી કચ્છ કેમિકલ કંપનીમાં ગત રાત્રે ચોરીના ઇરાદે ત્રાટકેલા તસ્કરોએ તેમને પડકારનાર કંપનીના સિકયુરિટી ગાર્ડ રામભાઈ કરસનની છરી વડે કરપીણ હત્યા કરી નાખી હતી. જોકે, કચ્છ કેમિકલ કંપનીમાંથી કોઈ ચીજવસ્તુની ચોરી થઈ નથી. આ અંગે સિકયુરિટી કંપનીના દુઃખહરણ યાદવે પોલીસ ફરિયાદ લખાવી છે. ચોરી સમયે તસ્કરો દ્વારા હત્યાનો બીજો બનાવ અંજાર જીઆઈડીસી પાસે આવેલી ગોલ્ડન સેન્ડ સોસાયટીમાં બંગલા નંબર ૮૦ માં ત્રાટકેલા તસ્કરોએ તેમને અટકાવનાર સિકયુરિટી ગાર્ડ ખોડાભાઈ લાખા રબારીની છરી વડે દ્યાતકી હત્યા કરી નાખી હતી. અહીં આ બંગલો નવો બની રહ્યો હોય તસ્કરો નળ પાઇપ જેવો સેનેટરીવેરનો ૧૦ હજારનો સામાન ચોરી ગયા હતા. આ અંગે પુષ્કર બાબુભાઇ પટેલે પોલીસ ફરિયાદ કરી છે. ચોરીના અને હત્યાના આ બન્ને બનાવો રાત્રે ૧૦ થી ૧૧/૩૦ વચ્ચે બન્યાઙ્ગ હતા. અંદાજીત પાંચ થી છ શખ્સોની ગેંગે આ કૃત્ય આચર્યું હોવાની શંકા પોલીસને છે. ગુનેગારોના સગડ મેળવવા અંજાર પોલીસે દોડધામ શરૂ કરી દીધી છે.

(3:58 pm IST)