સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

સોમનાથ મહાદેવને પવિત્ર શ્રાવણ માસમાં બિલ્વ વનના લાખો બિલીપત્ર ચડાવાય છે

પ્રભાસપાટણ, તા. ૧૪ : સોમનાથ મહાદેવને પ્રિય એવા બિલ્વપત્ર રોજના ૧૦થી ૧૧ મોટા કોથડા ચડાવવામાં આવે છે.

સોમનાથમાં હાઇવે રોડની બાજુમાં મોટુ બિલ્વન આવેલ છે જેમાં ૭પ૦ બિલ્વના વૃક્ષો આવેલ છે અને આ બિલ્વવનમાંથી રોજ બિલ્વપત્ર સોમનાથ મહાદેવને ચડાવવામાં આવે છે. આ બિલ્વ વનમાં છેલ્લા ર૦ વર્ષથી માળી તરીકે ફરજ બજાવતા નારણભાઇ વાસાભાઇ ગઢીયા ફરજ બજાવે છે અને આ વૃક્ષોના ઉછેરમાં નારણભાઇનો મોટો ફાળો છે. તેઓએ જણાવેલ કે, સોમનાથમાં બિલ્વ વૃક્ષોનો બગીચો ન હતો ત્યારે બિલ્વપત્ર લેવા માટે સાસણના જંગલમાં જવું પડતું, પરંતુ ર૦ વર્ષથી આ બિલ્વ વન બનાવવામાં આવેલ છે અને છેલ્લા ૧પ વર્ષથી આ બગીચામાંથી સોમનાથ ભગવાનને બિલ્વપત્ર ચડાવવામાં આવે છે. અત્યારે શ્રાવણ માસમાં રોજના ૮થી ૧૦ મોટા કોથડા બિલ્વપત્રો વીણવામાં આવે છે તે માટે રોજના ૧૭ લોકો કામગીરી કરે છે અને સાંજના આ કોથળા ભરીને સોમનાથ મોકલવામાં આવે છે. આ બિલ્વવનમાં ૭પ૦ બિલ્વના નાના-મોટા વૃક્ષો આવેલ છે. શ્રાવણ માસ બાદ રોજનો એક કોથળો સોમનાથ મોકલવામાં આવે છે.

અત્યારે ચોમાસાની સીઝનમાં વરસવાને કારણે આ બિલ્વવન ખૂબજ સુંદર લાગે છે અને આ સુંદર બિલ્વવનમાંથી ભગવાન ભોળાનાથને બિલ્વપત્ર ચડાવવામાં આવે છે.

(9:59 am IST)