સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 14th June 2021

તૌકતે વાવાઝોડાના 25 દિવસ બાદ પણ ભાવનગરનાં વાડી વિસ્તારમાં અંધારપટથી ખેડૂતોની હાલત કફોડી

બુધેલ, લાખણકા, શામપરા ફરિયાદકા સહિતના વાડી વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃ કાર્યરત નહિ થતાં ખેડૂતો ત્રાહીમામ

ભાવનગર :ગુજરાત પર ત્રાટકેલા તૌકતે વાવાઝોડાની અસરો હજુ પણ રાજયના ઘણા જિલ્લાઓમાં યથાવત જોવા મળી રહી છે. ત્યારે ભાવનગરમાં હજી પણ ઘણા વિસ્તારોમાં લાઈટના ફાફા જોવા મળી રહ્યા છે. આ વર્ષે આગોતરું ચોમાસુ બેસી ગયું છે, અને સારો વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી પગલે ખેડૂતોએ ખેતરોમાં વાવણીના મંડાણ કરી દીધા હતા, પરંતુ હાલ વરસાદ ખેંચાઇ રહ્યો છે અને વાડીઓમાં વીજ કનેક્શન પણ શરૂ નથી થયા ત્યારે વાવણી કરાયેલ બીજ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, તો બીજી બાજુ ખેડૂતોને પોતાના માલઢોરને પિવરાવવા લાઈટના હોવાના કારણે કૂવા માથી પાણી કાઢી શકતા ન હોવાથી પાણી લેવા દૂર સુધી જવું પડે છે. જેથી ઝડપથી વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

ભાવનગર ગ્રામ્યના બુધેલ, લાખણકા, શામપરા ફરિયાદકા સહિતના વાડી વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃ કાર્યરત નહિ થતાં ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે, વાવાઝોડા બાદ PGVCL સાથે ખભેખભો મિલાવીને ધરાશાય થઈ ગયેલા વીજપોલ ઊભા કરવામાં ખેડૂતોએ જાતે તંત્રને ખૂબ મદદ કરી હતી, પરંતુ આજે વાવાઝોડું ચાલ્યું ગયું તેને પણ 25 દિવસ વિતી ગયા છે પરંતુ હજુ સુધી ખેડૂતોની વાડી ખેતરોના વીજ કનેક્શન શરૂ કરવામાં નથી આવ્યા, વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા ખેડૂતોએ અનેક વખત સંબંધિત તંત્ર ને રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી સમસ્યાનો કોઈ હલ કરવામાં નહિ આવતા ખેડૂતો ભાવનગરના ચાવડીગેટ સ્થિત PGVCL ની વડી કચેરીએ પહોંચ્યા હતા અને PGVCL ના રૂરલ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પી.સી. પંચાલ ને રજૂઆત કરી હતી.

(8:38 pm IST)