સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 14th June 2021

મેંદરડા પાસે છકડો રીક્ષા ઉંઘી વળતા જલંધરના યુવાનનું મોત

કેશોદ પાસે અજાણ્યા વાહન હડફેટે અજાણ્યા પુરૂષનું મૃત્યુ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૪: મેંદરડા પાસે છકડો રીક્ષા ઉંધી વળતાં જલંધર ગામનાં યુવાનનું મૃત્યુ નિપજયું હતું.

આ અકસ્માતની વિગત એવી છે કે, જુનાગઢ જિલ્લાનાં માળીયા હાટીના તાલુકાના જલંધર ગામનાં સુભાષભાઇ ઉકાભાઇ બારડનો પિતરાઇભાઇ રવિવારે જીજે ૦૪ ટી ૯૦૯૩ નંબરની છકડો રીક્ષામાં બેસીને જતો હતો. ત્યારે રીક્ષા ડ્રાઇવર મનસુખ ધનજીભાઇ રવૈયાએ મેંદરડાનાં અમરાપુર (કાઠીના) ગામનાં પુલ પાસે રીક્ષાને પુરઝડપે હંકારતા રીક્ષા પલ્ટી મારી ગઇ હતી.

આ અકસ્માતમાં જયદેવનું માથાના ભાગે ગંભીર ઇજા થયાની ફરીયાદ થતાં મેંદરડાનાં પી.એસ.આઇ. કે.એમ. મોરીએ તપાસ હાથ ધરી છે.

અન્ય એક અકસ્માત કેશોદ નજીક વેરાવળ નેશનલ હાઇવે પર રિસોર્ટ નજીક  સર્જાયો હતો.

જેમાં રેકડી લઇને જઇ રહેલ એક અજાણ્યા પુરૂષએ અજાણ્યા વાહને હડફેટમાં લેતા રેકડી ધારકનું મૃત્યુ નિપજયું હતું.

આ અંગે કેશોદ પોલીસે જાતે ફરીયાદી બનીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ ઇન્ચાર્જ પી.આઇ. એન. બી. ચૌહાણ ચલાવી રહ્યા છે.

(3:56 pm IST)