સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 14th June 2021

ભૂજના રાવલપીંડી પોસ્ટ ઓફીસ કૌભાંડના આરોપી વિનય દવેને જામીન પર છોડવા આદેશ

(વિનોદ ઝાલા દ્વારા) ભુજ તા.૧૨ : રાવલવાડી પોસ્ટ ઓફીસ કૌભાંડના સબ પોસ્ટ માસ્તર વિનય દવેને જામીન મુકત કરવા ભુજની સેશન્સ અદાલતે હુકમ કર્યો હતો.

 રાવલવાડી પોસ્ટ કૌભાંડમાં ભુજ પોસ્ટ ખાતા તરફથી કરવામાં આવેલ એજન્ટ પ્રજ્ઞા ઠકકર, સચિન ઠકકર, સબ પોસ્ટ માસ્તર બિપની રાઠોડ અને બટુક વૈષ્ણવ સામે ભુજ એ ડીવીઝન સમક્ષ કરવામાં આવેલ ફરીયાદમાં વિનય દેવશંકર દવે કે જેઓ ૨૦૦૮ થી ૨૦૧૩ ના સમયગાળા દરમિયાન રાવલવાડી પોસ્ટ ઓફીસમાં સબ પોસ્ટ માસ્તર તરીકે ફરજ પર હતા તેઓની ખોટી સહી કરેલ હોવાનુ જણાવેલ હતુ અને તે રીતે તેમના સાક્ષી તરીકે નિવેદન લીધેલ હતા. બાદમાં ચાલુ તપાસ દરમિયાન તેઓના સમયગાળા દરમિયાન પણ તપાસ કરતા ર ખાતામાં એજન્ટ દ્વારા ચેક મારફતે પૈસા લઇ ગયેલ હોવાનું બહાર આવતા દવેને પણ આરોપી તરીકે દર્શાવી અને ૧૩-૫-૨૦૨૧ના રોજ પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવેલ હતી.

ત્યારબાદ તા.૨૦-૦૫-૨૦૨૧ના રોજ પોલીસ દ્વારા તમામ ચારેય આરોપીઓ વિરૂધ્ધ ભૂજની કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ હતુ અને જે ચાર્જશીટ ફાઇલ થઇ જતા આરોપી વિનય દવેની પ્રથમ વખત જામીન અરજી ૨૦ જેટલા કારણ સાથે વિગતવારની સેશન્સ કોર્ટ સમક્ષ રજૂ કરેલ હતી. જેની ઓનલાઇન વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરેલ હતી. જેમાં આરોપીપક્ષની રજૂઆત સર્વોચ્ચ અદાલતના અલગ ચુકાદા, તેમજ આરોપીનો ભાગ વગેરે જોતા અધિક સેશન્સ જજ આર.વી.મંદાની દ્વારા શરતી રેગ્યુલર જામીન મુકત કરતો હુકમ કરેલ હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ પોસ્ટ કૌભાંડમાં જામીન પર મુકત થનાર આ પ્રથમ આરોપી છે. આ આરોપી વિનય દેવશંકર દવેના વકીલ તરીકે ભુજના વકીલ મલ્હાર દર્શક બુચએ હાજર રહી દલીલ કરેલ હતી.

(11:43 am IST)