સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 14th June 2021

યાત્રાધામ ચોટીલા ખાતે ચામુંડા માતાજીના દર્શને 54 ટકા ભક્તો કોરોનાની માનતા પૂર્ણ કરવા આવ્યા

પરિવારજનોને કોરોનાથી બચાવવા લીધી હતી માનતા : દર્શનાર્થે આવેલા 72 ટકા ભક્તોએ નથી લીધી વેક્સીન : સૌરાષ્ટ્ર યુનિ,ના સર્વેમાં ખુલાસો : રસી અંગે અનેક ગેરસમજણ

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની ટીમ દ્વારા ચોટીલા ખાતે દર્શને આવતા ભક્તોની માનસિકતા જાણવા અને વેક્સિનેશન કેટલાએ કર્યું છે? તે જાણવા માટે સ્થળની મુલાકાત કરી હતી, જે દરમિયાન 54 ટકા લોકોએ સ્વીકાર્યું હતું કે, તેમને અને તેમના પરિવારને કોરોના ન થાય તે માટેની માનતા પૂર્ણ કરવા આવ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અલગ અલગ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને સર્વે કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રાજકોટ નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચામુંડા માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓ અંગેનો એક સર્વે હાથ ધર્યો હતો.

 મનોવૈજ્ઞાન ભવનના પ્રાધ્યાપકો દ્વારા સવારના 9થી 12 લોકોને પૂછીને જાણ્યું, તો મોટાભાગના ભક્તોએ માનતા લીધી હતી કે, તેમને અને તેમના પરિવારને કોરોના ન થાય તો ચામુંડા માતાના દર્શને આવશે. જ્યારે 54 ટકા લોકોએ સ્વીકાર્યું કે અમે માનતા પૂર્ણ કરવા આવ્યા છીએ.

મનોવૈજ્ઞાનિકો દ્વારા ચોટીલા ખાતે દર્શન માટે આવેલા ભક્તોને પૂછ્યું કે, કોરોના વેક્સિનેશન કરાવ્યું છે કેમ? તેનાં જવાબમાં 72 ટકા લોકોએ ના કહી હતી. તેમજ હજૂ વેક્સિનેશન કરાવ્યું નથી અને કરાવવું પણ નથી, તેમ જણાવ્યું હતું. વેક્સિનેશન કેમ નહીં કરાવવાનું કારણ પૂછતાં ભક્તો એ જણાવ્યું હતું કે, કોરોના વેક્સિનની આડ અસર થાય છે, શરીર નબળું પડે છે, તેમજ લોકોના મૃત્યુ થયા છે, કોરોના રસી લેવાથી કોરોના થાય છે. માતાજી રક્ષા કરતા હોય પછી બીજી કોઈ બાબતની જરૂર નથી. એમ પણ જણાવ્યું હતું કે, મોટામોટા લોકો પણ માનતા લે છે, તો અમે તો સાવ નાના માણસ છીએ અમારો સહારો માતાજી સિવાય કોણ હોય?

આસ્થા અને શ્રદ્ધાએ ભારતની જનતાનો રૂહ છે. જે માટે ગુજરાત સરકારે એવો નિયમ લાવવો જોઇએ કે, જે લોકોએ વેક્સિન લીધી હોય તેનું પ્રમાણપત્ર દેખાડે તેને જ મંદિરમાં પ્રવેશ આપવો જોઇએ. વેક્સિનેશન થયું હશે તો તે લોકો બીજાને ચેપ નહીં લગાડે. કડક અમલવારી જો આવી થાય તો કોરોના વેક્સિનેશન અભિયાનમાં મદદરૂપ થશે.

(8:14 pm IST)