સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

કેશોદના ભીખારામ હરીયાણીની હત્યા કરનારા પાંચ ઝડપાયા

મૃતકની બે દુકાનો અને જમીનનો પ્લોટ પણ પડાવી લીધેલ

જૂનાગઢ તા. ૧૪ :.  કેશોદના બાવાજી ભીખારામ હરીયાણીની હત્યા કરનાર પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે.

કેશોદના ત્રિલોકનગરમાં રહેતા કરિયાણાના વેપારી ભીખારામ ભગવાનદાસ હરીયાણીની ગઇકાલે કેશોદમાં રેલવે ફાટક પાસે સરાજાહેર હત્યા થઇ હતી.

જેમાં મૃતકના પુત્ર કરણ હરિયાણીએ અગાઉ તેના પિતા ભીખારામભાઇ સાથે વ્યાજ વટાવનો ભાગીદારીમાં ધંધો કરતા કેશોદ પાલિકામાં વિપક્ષી નેતાના પુત્ર રાજુ ભામાભાઇ સીંઘલ, રામા ભામા સીંઘલ, દિવ્યેશ રામા રબારી, ભુપત રબારી અને બોઘો રબારી સામે હત્યાની ફરીયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવેલ કે, ભાગીદારીમાં વાંધો પડતા છ માસ અગાઉ છુટા થયેલ પરંતુ રાજુ ભામા અને તેનો ભત્રીજો દિવ્યેશે અગાઉ ઘરે આવી ધાકધમકી આપી હતી.

તેમજ બે દુકાનો અને ભાગીદારીનો જમીનનો પ્લોટ પડાવી લીધો હતો.

ગઇકાલે આ મનદુઃખમાં પાંચેય શખ્સોએ ધસી આવી કારમાંથી ભીખારામ હરીયાણીને બહાર ખેંચી તેની હત્યા નિપજાવીને નાસી ગયા હતા.

સરાજાહેર હત્યાનો બનાવ બનતા કેશોદમાં સોંપો પડી ગયો હતો.

આ અંગેની જાણ થતાં એએસપી સંજય ખરાતે સ્ટાફ સાથે દોડી જઇને તપાસ હાથ ધરી હતી.

કેશોદના એએસપી સંજય ખરાતે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, હત્યા કરનાર પાંચેય શખ્સો પોલીસના હાથમાં આવી ગયા છે અને પોલીસે આ શખ્સોની પૂછપરછ શરૂ કરી છે.

(5:04 pm IST)