સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

ટૂંક સમયમાં 'ઉદય એક્ષપ્રેસ' દોડશે

મુંબઇની મુસાફરી માટે સૌરાષ્ટ્રને વધુ એક વિકલ્પ : જામનગર-બાંદ્રા ટર્મિનસ વચ્ચે : જામનગરથી રવિ, મંગળ, ગુરૂ તથા બાંદ્રાથી સોમ, બુધ, શુક્ર ઉપડશે રાત્રિ મુસાફરી રહેશે

અમદાવાદ, તા. ૧૪ : કોઇમ્બ્તુર-બેંગ્લોર વચ્ચે અતિ આધુનિક સુવિધા વાળી 'ઉદય' (ઉત્કૃષ્ટ ડબલ ડેકર એયર કંડીશન) ટ્રેન શરૂ થયા પછી હવે જામનગર-બાંદ્ર ટર્મીનસ વચ્ચે પણ આ ટ્રેન દોડાવવાની કસરત થઇ રહી છે. બે વર્ષ પહેલા ત્યારના રેલમંત્રી સુરેશ પ્રભુએ આની જાહેરાત કરી હતી. આ એવી ટ્રેન છે કે જેમાં જરાપણ ધુમાડો થાય તો તરત એલાર્મ વાગશે.

આ ટ્રેન શરૂ થવાથી સૌરાષ્ટ્રવાસીઓને મુંબઇ મુસાફરીનો વધુ એક વિકલ્પ મળશે. રેલ્વે સમય પત્રકમાં આ ટ્રેનની જાહેરાત થઇ ચૂકી છે તે પ્રમાણે ૮૩૦ કિ.મી.ની મુસાફરી આ ટ્રેન ૧૪ કલાક ર૦ મીનીટમાં પૂરી કરશે. આ ટ્રેન જામનગરથી દર રવિવાર, મંગળવાર,

અને ગુરૂવારે તથા બાંદ્રાથી સોમવાર, બુધવાર અને શુક્રવારે ઉપડશે. જામનગરથી તે રાત્રે ૧૦ વાગે ઉપડશે અને બીજા દિવસે સવારે ૧૦.ર૦ બાંદ્રા ટર્મીનલ પહોંચશે.

અંદર વેન્ડીંગ મશીન

જેવી રીતે કોઇમ્બતુર બેંગલોર ઉદય એકસપ્રેસમાં ઓટોમેટીક વેન્ડીંગ મશીન મુકેલ છે તેમજ આમાં પણ મુકાશે. વેન્ડીંગ મશીનમાંથી પ્રવાસીઓ ચા, કોફી, ચીપ્સ જેવી ખાદ્ય સામગ્રીઓ લઇ શકશે. ટ્રેનમાં આ સુવિધા હોવાથી યાત્રીઓને ખોટા ભાવ નહીં આપવા પડે. ખરીદતી વખતે વસ્તુ સીલેકટ કરીને બટન દબાવવુ પડશે. પૈસા ચુકવ્યા પછી જ વસ્તુ મશીનમાંથી બહાર આવશે. ભવિષ્યમાં કેશલેસ ચુકવણી પણ થઇ શકશે.

ટ્રેનમાં ધુમાડો થશે તો એલાર્મા વાગશે

ટ્રેનમાં બ્લુટ્રુથ કનેકટીવીટી વાળા એલસીડી સ્ક્રીન હશે. ઉપરાંત ટ્રેનમાં ગરમ ચેમ્બર અને રેફ્રીજરેટીંગ બોકસ હશે. સ્મોક એલાર્મ સીસ્ટમ પણ હશે જે ટ્રેનમાં ધુમાડો થશે તો તરત એલાર્મ વગાડશે. ઉપરાંત યાત્રીઓની સુરક્ષા માટે દરેક કોચમાં સીસી ટીવી પણ લગાડવામાં આવશે.

(4:18 pm IST)