સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

જૂનાગઢમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગાર અડ્ડાનો પર્દાફાશ : ૧૦ શખ્સોની ધરપકડ

રોકડ અને મોબાઇલ સહિત રૂ. ૩૫૭૯૦ કબ્જે

જૂનાગઢ તા. ૧૪ : જૂનાગઢમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગાર અડ્ડાનો પોલીસે રાત્રે પર્દાફાશ કરી ૧૦ શખ્સોને રૂ. ૩૫૭૯૦ સાથે પકડી પાડયા હતા.

જૂનાગઢમાં બીલખા રોડ પર આવેલ પાઠકનગરમાં રહેતો સુનિલ મગનલાલ ડાભી - કોળી તેના મકાનમાં જુગાર રમાડતો હોવાની માહિતી મળતા ગત રાત્રે સી-ડીવીઝનના પીએસઆઇ ડી.કે.વાઘેલાએ સ્ટાફ સાથે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે જુગારધામનો સંચાલક સુનિલ મગન ઉપરાંત ભૂપત ધીરૂ વાઘેલા, નરેશ સોમા વાણવી, કિશન તુલસી વાઘેલા, પ્રદિપ વિનુ સરવૈયા, રાજન અમૃત રાઠોડ, કરશન અરજણ દાસા, લખમણ દેવા ઓડેદરા, હરેશ પોપટ પરમાર અને જબક રાધવ ખીમસુરીયા સહિત ૧૦ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી રૂ. ૩૦૭૯૦ની રોકડ તેમજ રૂ. ૫૦૦૦ની કિંમતના ૬ મોબાઇલ ફોન કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિશેષ તપાસ એએસઆઇ બી.એન.રવૈયા ચલાવી રહ્યા છે.

(12:42 pm IST)