સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

કાલ થી સિંહ દર્શન ૪ મહિના બંધ

વન્ય જીવો માટે સંવનનકાળ હોવાથી ૧૬મી ઓકટોબરે જંગલ રૂટ પુનઃ ખુલશેઃ દેવળીયા સફારી પાર્ક ચાલુ રહેશે

જુનાગઢ તા. ૧૪ :.. ચોમાસાની સીઝન મોટાભાગના વન્ય જીવો માટે સંવનનકાળ હોવાથી વન્ય જીવોને ખલેલ ન પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન ૧પમી જૂનથી પડી જશે. ચાર માસના વેકેશન દરમિયાન જીપ્સીઓના તમામ રૂટ બંધ થશે અને પ્રવાસીઓ માટે માત્ર  દેવળીયા સફારી પાર્ક ચાલુ રહેશે.

ચોમાસાની સીઝન સિંહો, દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના મોટા ભાગના વન્ય જીવોમાં ચોમાસાના સમય દરમિયાન પ્રજનન કાળ ચાલતો હોય છે. જેથી  વન્ય જીવોના સંવનનમાં ખલેલ ન પહોંચે તે માટે વન વિભાગ દ્વારા ૧પ જૂનથી સાસણ જંગલમાં ચાર માસ માટેનું વેકેશન જાહેર કરવામાં આવે છે. આ વેકેશન ૧૬ ઓકટોબરે પુર્ણ થાય છે. આ વેકેશન દરમિયાન પ્રવાસીઓને સિંહ દર્શન અને સફારી માટે લઇ જવામાં આવતા જીપ્સીના તમામ રૂટો બંધ રાખવામાં આવે છે. જો કે દેવળીયા સફારી પાર્ક રાબેતા મુજબ ચાલુ રહેશે. એક તરફ સિંહોના ગેરકાયદે દર્શનની સૌથી વધુ વિડીયો કિલપ બહાર આવી છે. સિંહોની હાલત શેરીના શ્વાન જેવી કરી નાંખતી કેટલીક વિડીયો કિલપને કારણે જંગલના રાજાની શાન હણાઇ છે.

કાયદેસરના સિંહ દર્શનમાં ચાર માસના વેકેશન દરમિયાન ગેરકાયદે સિંહ દર્શનનો  ગેરકાનુની ધંધો ફુલેફાલે નહીં તેના પર તંત્રએ અંકુશ રાખવો જરૂરી બની રહેશે.

(11:59 am IST)