સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

પડધરીના ખાખરાબેલાના અજીતસિંહ જાડેજાની હત્યામાં રાજકોટના જગુભા સહિત ત્રણની શોધખોળ

પૈસાની લેતી-દેતી અને જમીનના મુદ્દે હત્યા થયાની શંકા

રાજકોટ, તા. ૧૪ :. પડધરીના ખાખરાબેલા-૧ ગામની વાડીમાં ગરાસીયા આધેડની તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળતા ચકચાર જાગી છે. આ હત્યામાં ખાખરાબેલા ગામના જ વતની અને હાલ રાજકોટ રહેતા ગરાસીયા યુવાન સહિત ૩ સામે ગુન્હો નોંધી તપાસ આદરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના ખાખરાબેલા-૬ ગામે રહેતા અજીતસિંહ હરીસિંહ જાડેજા (ઉ.વ.પપ)ની ખાખરાબેલા-૧ ગામે આવેલ જગદીશસિંહ શાંતુભા જાડેજાની વાડીમાંથી હત્યા કરાયેલ હાલતમાં લાશ પડી હોવાની જાણ થતા પડધરીના પીએસઆઇ આર.પી.કોડીયાતર સહિતે ઘટના સ્થળે દોડી જઈ તપાસ આદરી છે. તપાસમાં મૃતક અજીતસિંહ જાડેજાને માથામાં અને બંન્ને પડખામાં પ થી ૭ તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી પતાવી દેવાયાનું ખુલ્યું હતું.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર અજીતસિંહ જાડેજાને મંગળવારે રાત્રે જગદીશસિંહ જાડેજાએ જમીન બાબતે વાત કરવી છે તેવો ફોન કરી વાડીએ બોલાવ્યા હતા અને આજે સવારે સુધી અજીતસિંહ જાડેજા ઘરે પરત ન ફરતા તેના પુત્ર ચંદ્રસિંહ જગદીશસિંહની વાડીએ તપાસ કરવા જતા ત્યાં પિતાની લોહીમાં લથબથ હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. બનાવ બાદ શંકાના  પરીઘમાં રહેલ જગદીશસિંહ જાડેજાનો ફોન સ્વીચ ઓફ આવતો હોય અને તેઓ લાપત્તા હોય હત્યામાં તેઓની સડોવણી હોવાની પોલીસને  શંકા જતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

મૃતક  અજીતસિંહ જાડેજા પાસેથી જગદીશસિંહ જાડેજાએ રૂપીયા ઉછીના લીધાનું અને આ રકમની લેતી-દેતીમાં જમીન આપવાની વાતના મુદ્દે બંન્ને વચ્ચે ચડભડ થતા જગદીશસિંહ સહિત ત્રણ શખ્સોએ અજીતસિંહને પતાવી દીધાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યંુ છે. શંકાના પરીઘમાં રહેલ જગદીશસિંહ જાડેજા (રહે. મૂળ વતન ખાખરાબેલા, હાલ ગાયત્રીધામ, જામનગર રોડ રાજકોટ) પકડાયા બાદ જ સાચી હકિકત બહાર આવશે.

હત્યાનો ભોગ બનનાર અજીતસિંહ જાડેજાના સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જે બંન્ને પરીણીત છે. પડધરી પોલીસે ચંદ્રસિંહ અજીતસિંહ જાડેજાની ફરીયાદ પરથી રાજકોટ ગાયત્રીધામમાં રહેતા જગદેસિંહ ઉર્ફે જગુભા આમતુભા જાડેજા તથા બે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર અજીતસિંહના પુત્ર ચંદ્રસિંહ જાડેજાએ ફરીયાદમાં જણાવ્યુ હતુ કે, પિતા અજીતસિંહ જાડેજાને આરોપી જગદેસિંહ ઉર્ફે જગુભા જાડેજા તથા અજાણ્યા શખ્સોએ ખેતીની જમીન વેચવા બાબતે જગદેસિંહે પિતા અજીતસિંહને પોતાની વાડીએ બોલાવી બેઠક કરી હતી અને વાતચીત કર્યા બાદ ડખ્ખો થતા ત્રણેય શખ્સોએ તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા કર્યાનું જણાવ્યુ છે. આ પ્રકરણમાં પૈસાની લેતીદેતી મામલે માથાકુટ થતા અજીતસિંહ જાડેજાની હત્યા થઈ હોવાની પોલીસ શંકા વ્યકત કરી રહી છે.

(11:56 am IST)