સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

'હું ટુંક સમયમાં હાજર થઇ જઇશ...' કાંધલ જાડેજાએ રૂરલ પોલીસને ફેકસ કર્યો

રાજકોટ તા. ૧૪ : જેતપુરના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પાસે પોરબંદરની ગેંગ દ્વારા ખંડણી માંગવાનાં પ્રકરણમાં કુતિયાણાનાં ધારાસભ્ય કાંધલ જાડેજાને પુછપરછ માટે ગઈકાલે હાજર રહેવા એલસીબીએ સમન્સ ઈસ્યુ કર્યું હતું. આમ છતાં તે હાજર થયો ન હતો. હવે તેણે આજે પોલીસને એક ફેકસ કરી ટૂંક સમયમાં પોલીસ સમક્ષ હાજર થશે તેમ જણાવ્યું છે.

ઈન્ચાર્જ એસપી બલરામ મીણાએ જણાવ્યું કે, કાંધલ જાડેજાનો આજે પોલીસને ફેકસ મળ્યો છે જેમાં તેણે ચાલુ ધારાસભ્ય હોવાનાં નાતે પ્રજાનાં કામો માટે ગાંધીનગર હોવાથી ગઈકાલે હાજર નહીં રહી શકયાનું લખ્યું છે. એટલું જ નહીં પોતાની આ કેસમાં સંડોવણી નહીં હોવાનો પણ દાવો કર્યો છે. આમ છતાં જરૂરી સ્પષ્ટતા કરવા માટે ટુંક સમયમાં પોલીસ સમક્ષ હાજર થશે એમ પણ જણાવ્યું છે. જો કે કઈ તારીખે હાજર થશે તેનો ઉલ્લેખ કર્યો નથી.

પોલીસે આ સંજોગોમાં તેને ફરીથી એક-બે દિવસમાં જ પુછપરછ માટે બોલાવવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ આ કેસમાં અગાઉ એલસીબીએ ત્રણ આરોપીઓ શૈલેષ બાવાજી, અશોક જોષી અને રાયદે ગોરાણીયાની ધરપકડ કરી હતી. ગઈકાલે ચોથા આરોપી પરબત ખીમાભાઈ ઓડેદરા (રહે. મોડદર, તા. કુતિયાણા)ની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને આજે જેતપુરની કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર મેળવી બાકીનાં વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા તજવીજ જારી રાખી છે.

(11:52 am IST)