સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

બુધવારે જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી

જસદણ તા. ૧૪ : જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી આગામી તા.૨૦ જૂન બુધવારના રોજ જાહેર થતા રાજકીય ગતિવિધિ તેજ બની છે. આ અંગે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા પંચાયતના ચુંટાયેલા દરેક સભ્યોને એજન્ડા પાઠવી દીધા છે.

જેમાં જણાવ્યુ છે કે, પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ સામાન્ય પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી તા. ૨૦ જૂનના રોજ સવારે ૧૧ કલાકે તાલુકા પંચાયતના સભાખંડમાં યોજાશે. આ અંગેના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ આગામી તા.૧૯ જૂન અને બુધવાર છે. જસદણ તાલુકા પંચાયતની વાત કરીએ તો અઢી વર્ષ પહેલા ચુંટણી યોજાય હતી.

જેમાં કુલ મળી ૨૨ સભ્યો ચુંટાયા હતા. જેમાં કોંગ્રેસના ૧૯ અને ભાજપના ફકત ૩ સભ્યો ચુંટાયા હતા. સ્થાનિક રાજકીય સુત્રોમાં થતી ચર્ચા મુજબ વિધાનસભાની બેઠક પર પ્રથમ કોળી જ્ઞાતિ ત્યારબાદ બીજા નંબર પર ઇતર સમાજના મતદારોનું પ્રભુત્વ છે. ત્યારે કોંગ્રેસના મોવડીઓ ઇતર સમાજમાંથી કોઇ સભ્યોને પ્રમુખ બનાવશે. જો કે રાજકારણમાં અનેક તામતથી પદ પણ ફરી જાય તેવું નગરપાલીકામાં જસદણવાસીઓએ અનુભવ કર્યો છે. ત્યારે આ ચુંટણીને લઇ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.

(11:48 am IST)