સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

જસદણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા જલસેતુ કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં 'જળ પ્રવાસ' યોજાયો

જસદણ, તા. ૧૩: પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ, ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયના સહયોગથી ચાલતી સ્વયંસેવી સંસ્થા છે ,જે છેલ્લા ૩૦ વરસથી જસદણ –વિછીયા તાલુકાના પસંદગીના ગામોમાં પર્યાવરણ શિક્ષણ માટે જાગૃતિ વિષયક કામગીરી કરે છે. નેહરૂ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ અમદાવાદ અંતર્ગત કામ કરતી સંસ્થાની સમગ્ર ભારતમાં અને વિદેશમાં મળીને ૪૦ થી વધારે ઓફિસોના નેટવર્ક દ્વારા, સમાજના જુદા-જુદા વર્ગ અને વયજૂથના લોકો સાથે જળ, જમીન, જંગલ,જાળવણીના કાર્ય માટે વિવિધ પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમો કરે છે. છેલ્લા ત્રણ વરસથી HANNS- SEIDEL STIFTANG(HSS) સાથે મળી, વિછીયા તાલુકાના ૧૦ ગામોમાં ખેતીના, પીવાના અને પશુપાલન માટેના પાણીમાં લોકોની સમજ વિકસે, લાંબાગાળાનું આયોજન થાય, અને ગામ પાણીના સંદર્ભમાં સ્વાવલંબી થાય તે હેતુથી જલસેતુ પ્રોજેકટ કાર્યરત છે. લાલાવાદર,ગુંદાળા, ભોયરા, અમરાપુર સોમપીપળીયા, સોમલપર, બંધાળી, સરતાનપર, બેલડા અને વેરાવળ એમ દશ ગામનો સમાવેશ થાય છે. આમ આ દશ ગામના સરપંચ, પંચાયતમાં ચુંટાયેલા મહિલા સભ્યો, અને પર્યાવરણ વિકાસ મંડળના સભ્યો, ગામ આગેવાનો થઈને ૩૦ બહેનો અને ૨૪ ભાઈઓ એમ ૫૪ લોકોએ કચ્છની મુલાકાત લીધી હતી. ખાસ પાણી ને લગતા કામો જોવા માટે ભુજમાં શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટ કુકમા ગામ(કચ્છ) માં ઓછા પાણીએ થતી ખેતી અને ગાય આધારિત જીવનશૈલી દ્વારા આજીવિકા, માટે કેવા ગૃહ ઉદ્યોગો વિકસિત કરી શકાય, તેની માહિતી સંસ્થાના સ્થાપકશ્રી મનોજ સોલંકી દ્વારા આપવામાં આવી હતી. હુન્નરશાળા નામની સંસ્થામાં, કેમ્પસમાં વપરાયેલા ગંદા પાણીને ટ્રીટમેન્ટ કરી, તેનો યોગ્ય નિકાલની વ્યવસ્થા કેમ કરી શકાય તેની માહિતી મેળવી હતી. ગામડામાં તથા શહેરોમાં ગંદા પાણીને ટ્રીટમેન્ટ કર્યા વગર, નદી-નાળામાં છોડવામાં આવે છે, જેનાથી ભૂ-જળ દુષિત થતા, આ પ્રકારનું પાણી પીવાથી ખેતીની પેદાશો તથા માનવ આરોગ્ય પણ જોખમાય છે. માંડવી સ્થિત , વિવેકાનંદ રિસર્ચ ટ્રેનીગ ઇન્સ્ટીટયુટમાં લોકભાગીદારીથી થયેલા પાણી રોકવાના અને રીચાર્જ કરવાના કામો અને હવામાંથી પાણી બનાવતું મશીન જોયું. કચ્છના લુડવા ગામની મુલાકાત લીધી જયાં મહિલા સરપંચે આદર્શ કામગીરી કરેલ છે. આમ કચ્છ ખાતે તા ૨૧ થી ૨૪ જુન ૨૦૧૮ ના રોજ પ્રવાસ પ્રવાસનું આયોજન થયું હતું, જેમાં વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ, પીવાનું પાણી અને તેનું વ્યવસ્થાપન, ખેતીનું પાણી અને તેનું વ્યવસ્થાપન, ,પશુ માટે પાણી અને તેનું વ્યવસ્થાપન, કલાઈમેન્ટ ચેઈન્જ અને પાણીના પ્રશ્નોને સંબંધ ,જળ વ્યવસ્થાપનમાં પંચાયતની અને મહિલાઓની ભૂમિકા વગેરે વિષય વિષય ઉપર જાણકારી મેળવી હતી. જસદણ વિસ્તારમાં નદીઓના પ્રવાહને જીવંત કરવા, પાણીના સ્તરને ઉપર લાવવા, પાણી વ્યવસ્થાપનની આધુનિક પધ્ધત્તિનો ઉપયોગ કરવા માટે આ પ્રવાસ લોકો માટે ખુબ જ પ્રેરણાદાયી રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન પર્યાવરણ શિક્ષ્ણ કેન્દ્ર જસદણના પ્રોગામ કો-ઓડીનેટર સુમન રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.આ કાર્યક્રમને સફળ બનાવવા જલસેતુ પ્રોજેકટ સંભાળતા રીટા વોરા અને માધવી દેસાણી વગેરે એ જહેમત ઉઠાવી હતી.

(11:44 am IST)