સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

જોડિયા તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખ માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ

જોડીયા તા.૧૪ :  વર્ષ ૨૦૧૬માં બાર બેઠક સાથે તાલુકા કોંગ્રેસે તાલુકા પંચાયતની સત્તા હસ્તગત કરી હતી. જયારે ચાર બેઠક ભાજપના ફાળે ગઇ હતી. પંચાયતી રાજમાં અઢી વર્ષ માટે પુરૂષ પ્રમુખનુ ટર્મ પુર્ણ થતા તેના સ્થાને ટુંક સમયમાં મહિલા માટે પ્રમુખપદની ચુંટણી યોજાવાની છે.

રાજકારણ અવસરવાદનો ખેલ છે. તક નો લાભ લેવા માટે પક્ષ સાથે વિદ્રોહ અને વિશ્વાસઘાતની પરંપરા બની ચુકી છે. ગત વર્ષ ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂર્વ કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ સાથે છેડા ફાળીને ભાજપના ખેસ ધારણ કર્યો હતો. જેની અસર સત્તા સ્થાને જોડીયા તાલુકા પંચાયતના ચાર કોંગી સભ્યોએ ભાજપના શરણ ગયા હતા.

જોડીયા તા.પં.ની હાલની સભ્ય સંખ્યા બંને પક્ષ આઠ આઠ છે. બંને પક્ષોમાં મહિલા પ્રમુખપદ માટે ત્રણ ત્રણ મહિલા ઉમેદવાર દાવેદાર ગણાય રહ્યા છે. તે પહેલા પંચાયતમાં બહુમતી સાબિત કરવા માટે બંને પક્ષમાં એક એક સભ્ય ખુટી રહ્યા છે. અંદર ખાતે જોડ તોડનું રાજકારણ ચાલુ છે. હવે જોવાનું રહેશે કે કયો પક્ષ પંચાયતી સત્તા કબ્જે કરે છે.

(11:43 am IST)