સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

ગોંડલ સફાઈ કામદારોની હડતાળ સમેટાઈ

ગોંડલ, તા.૧૪: ગોંડલ નગરપાલિકા કચેરી ખાતે ચાર માસ પહેલા સફાઈ કર્મચારીઓ દ્વારા તેમના પડતર પ્રશ્નો અંગે ઉગ્ર રજૂઆત વેળા કરાયેલ તોડફોડની દ્યટનામાં પોલીસ દ્વારા ૧૮ કર્મચારીઓની ધરપકડ કરાયા બાદ કર્મચારીઓ દ્વારા હડતાલ કરાતા પદાધિકારીઓ એ દરમિયાનગીરી કરતા સફાઇ કર્મચારીઓની હડતાળ સમેટાઇ હતી.

ચાર માસ જૂની તોડવાની પોલીસ ફરિયાદ સંદર્ભે સિટી પોલીસે ૧૮ જેટલા સફાઈ કામદારોની ધરપકડ કરાતા સફાઈ કામદારો દ્વારા હડતાલ પડાતા સફાઈ કામગીરી ઠપ થઇ જવા પામી હતી, દરમિયાન નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, રાજેન્દ્રસિંહ જાડેજા, પૃથ્વી સિંહ જાડેજા, રાજુભાઈ પરમાર, ચીફ ઓફિસર પટેલ, વાલ્મીકી સમાજના આગેવાનો વસંતભાઈ ગોરી, કાળુભાઈ મેરાણ, બાબુભાઈ ગોરી, શંકરભાઈ વાઘેલા, તુલસીભાઈ વાઘેલા, રાજુભાઈ ગોરી વગેરે સાથે તાકીદે બેઠક યોજી તોડફોડ તથા પોલીસ ફરિયાદની ઘટનાની દુઃખદ ગણાવી સફાઈ કામદારો પ્રત્યે સહાનુભૂતિ બતાવી પગાર કપાત સહિતના પ્રશ્નો અંગે ઘટતું કરવાની ખાતરી આપતા સફાઈ કામદારોએ સંતોષ વ્યકત કરી હડતાળ સમેટી હતી.

(11:33 am IST)