સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th May 2021

તૌકતે સાયકલોનની સંભવિત અસરોને પહોંચી વળવા પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ

જિલ્લા કલેકટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને અધિકારીઓની મિટિંગ યોજાઈ: પોરબંદર જિલ્લાની દરિયામાં રહેલી બોટોને પરત લાવવા કાર્યવાહી:દરેક તાલુકામાં અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક : રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ શરૂ : નીચાણવાળા વિસ્તારોના લોકોનું સ્થળાંતર, વીજ પુરવઠો, દવાઓ, બચાવ અને રાહત કામગીરી કરવાની થાય તો તેનું આયોજન

પોરબંદર :તૌકતે સાયકલોનની સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા કલેક્ટર અશોક શર્માની આગેવાની હેઠળ પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે.જિલ્લામાં તૌકતે સાયકલોનને કારણે કોઈ જાન માલની નુકસાની ન થાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ વિભાગોને જરૂરી સૂચન તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી, પોલીસ અધિક્ષક રવિ મોહન સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી મીટિંગમાં પોરબંદર જિલ્લાની દરિયામાં રહેલી બોટો આવતીકાલ સુધીમાં પરત આવી જાય તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓએ કરવાની થતી કાર્યવાહીનું માર્ગદર્શન આપ્યું હતું
જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર તંત્ર દ્વારા દરેક તાલુકા કક્ષાએ  અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.તેમજ જિલ્લા તથા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે.
હવામાન વિભાગ દ્વારા તેમજ સરકારશ્રી દ્વારા વખતોવખત આવતી સૂચનાઓ અને તાત્કાલિક અમલવારી કરી શકાય અને પરિસ્થિતિની  અનુરૂપ તાત્કાલિક પગલાં લઈ શકાય તે માટે સ્થાનિક પંચાયત તથા મહેસૂલના અધિકારીઓને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. જરૂર જણાયે નીચાણવાળા વિસ્તારોમાં વસતાં લોકોને સલામત સ્થળોએ ખસેડવા તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે.તેમજ આરોગ્ય વિભાગને પૂરતો દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવા.વીજ પુરવઠો ન ખોરવાય તેમજ તેને લગત આનુસંગિક વ્યવસ્થાઓ હાથ ધરવા પી.જી.વી.સી.એલ.ને સૂચિત કરાયું છે.
પોરબંદર જિલ્લાના લોકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારશ્રી તરફથી તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ ખાસ કરીને દરિયા કાંઠે રહેતા લોકો અને માછીમારોને જરૂરી તકેદારી રાખવા, દરિયામાં ન જવા તેમજ તંત્ર તરફથી આપવામાં આવતી સૂચનાઓની અમલવારી કરીને કામગીરી કરવા, સલામત સ્થળે ખસી જવા તેમજ બિનજરૂરી રીતે બહાર ન નીકળવા જણાવવામાં આવ્યું છે.

(8:13 pm IST)