સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th May 2021

જુનાગઢના નરસિંહ મહેતા તળાવમાં માછલીઓના મોત મુદ્દે ભાજપના નેતાઓમાં ર ફાંટાઃ મહેન્દ્રભાઇ મશરૂ જાતે દોડી ગયાઃ મેયરે ગ્રાન્ટ ફાળવી

જૂનાગઢ તા. ૧૪ : જૂનાગઢ ભાજપમાં એવી સ્થિતી છે કે પોતાના જ પક્ષની શાસિત મહાપાલિકા સામે ખુદ ભાજપના નગરસેવકોનું કઇ ઉપજતુ નથી. આ વખતે મહેન્દ્ર મશરૂ સાથે એવુ થયુ છે. અહીના નરસિંહ તળાવમાં ઓક્સિજનના અભાવે મોતને ભેટતી માછલીઓને બચાવવા ખુદ મહેન્દ્ર મશરૂને મેદાને આવુ પડ્યુ. મશરૂએ મહાપાલિકાને રજૂઆત કરી માછલીઓને બચાવવા ખોળો પાથર્યો. પણ મહાપાલિકાના સત્તાધીશોએ મશરૂની આબરૂના જાણે કાંકરા કરી નાખ્યા હોય તેમ સાવ નામકર ગયા. મહાપાલિકાએ પાણીના ટેન્કરની કોઇ વ્યવસ્થા ન કરી. આખરે જૈન સંઘ સાથે મળીને મશરૂએ જાતે માછલીઓને બચાવાનો પ્રયાસ કર્યો.

મશરૂના સ્વખર્ચના આ પ્રયાસ બાદ મહાપાલિકાના સત્તાધીશોની ઉંઘ હરામ બની. જૂનાગઢના મેયરે એ પછી તાબડતોબ નરસિંહ મહેતા સરોવરમાં પાણી નાખવા માટે પોતાને મળતી વિવેકાધીન ગ્રાન્ટનો ઉપયોગ કર્યો. તાત્કાલિક એક લાખ રૂપિયાની ફાળવણી કરાઇ. હવે મેયરને જીવદયા યાદ આવી ગઇ છે.

જુનાગઢ મહાપાલિકામાં ભાજપમાં જ અંદરઅંદર ખેંચતાણના આવા આવા ઉપરાછાપરી બનાવો બન્યા છે. પહેલા બનાવમાં ભાજપના નગરસેવક હિતેન ઉદાણીએ પોતાના વિસ્તારના વિકાસ કામો કમિશનરની ઓફિસ બહાર ઉપવાસ આંદોલન કર્યું હતું.ખુદ પોતાના જ પક્ષના નગરસેવકોનુ જો કઇ ઉપજતુ ન હોય તો જુનાગઢવાસીઓનુ શું ઉપજશે તેનો જવાબ બહુ અઘરો બન્યો છે.

(5:47 pm IST)