સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th May 2021

આજે ભાવનગરનો જન્મદિન

સંત, સુરા,દાતારો અને કલાની ભુમીની ઇ.સ.૧૭ર૪માં સ્થાપના થઇ'તી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,  તા., ૧૪: ગરવા ગઢ ગોહીલવાડની સ્થાપના થયે આજે ૨૯૯ વર્ષ પુર્ણ થશે અને ૩૦૦ વર્ષમાં ભાવનગરનો પ્રવેશ થશે આ ત્રણ શતકમાં ભાવેણાએ કંઇ કેટલીયે તડકી-છાંયડી સાથે અડખમ અને ઉઝળા ઇતિહાસનું સાક્ષી છે ભાવનગર. સંત, સુરા, દાતારો અને કલાનું પિયર એવા ભાવેણા રાજયની સ્થાપના ઇ.સ.૧૭ર૪માં મહારાજા ભાવસિંહજી ગોહીલે ખંભાતની ખાડી કાંઠે સૌ પ્રથમ વડવા ગામનું તોરણ બાંધ્યુ હતું. આજે આ વાતને ૨૯૯ વર્ષ પુરા થયા છે અને ભાવનગર ૩૦૦માં પ્રવેશ કરી રહયા છેે.

સૌરાષ્ટ્ર-કચ્છના અનેક નાના મોટા રજવાડાઓમાં નોખુ અન્ય અનોખું ઝાંઝરમાન રજવાડું એટલે ગોહીલવાડના ગુણગાન ગાતા કવિજન લેખકો આજે પણ થાકતા નથી જગતે જેને 'કલાના પિયર'નું બિરૂદ આપ્યું છે.

ભાવેણાની સ્થાપનાથી લઇને આજદિન સુધી અનેક કુદરતી સંકટો આવ્યા પણ ભાવેણાનો વાળ પણ વાકો થયો નથી આજે છેલ્લા એક વર્ષથી કુદરતે કોરોના રૂપી કસોટી મોકલી છે. જેની સામે ભાવેણા વાસીઓ બાથ ભીડી રહયા છે ત્યારે આ દુઃખદ ઘડીએ લોકો કુદરતને મનોમન પ્રાર્થનાઓ કરી રહયા છે અને ભાવેણું આગામી સમયમાં સફળતાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન થાય તેવી નેમ વ્યકત કરી રહયા છે.

(11:39 am IST)