સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 14th May 2019

પડધરીના નાના અમરેલીના પુર્વ સરપંચના બુલેટ પર નામચીન રમેશ મકવાણા સહિત ચારે કાર ચડાવી દીધી

જુના મનદુઃખનો ખાર રાખી હત્યાનો પ્રયાસઃ ચારેય શખ્સોની શોધખોળ

રાજકોટ, તા., ૧૪:  પડધરીના નાના અમરેલી ગામના પુર્વ સરપંચના બુલેટ પર નામચીન રમેશ મકવાણા સહિતના ચાર શખ્સોએ કાર ચડાવી દઇ હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ઉકત ચારેય શખ્સો સામે  પડધરી પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના નાની અમરેલી ગામે રહેતા પુર્વ સરપંચ આંબાભાઇ બચુભાઇ વાડોદરીયા (પટેલ) (ઉ.વ.પ૭)  ગઇકાલે બપોરે અમરેલી રાતૈયા રોડ પર બુલેટ લઇને જતા હતા ત્યારે પાછળથી ડસ્ટર ફોર વ્હીલ કારમાં આવેલ રમેશ મકવાણા, મુકેશ રાણાભાઇ મકવાણા, રાણાભાઇ ડોસાભાઇ મકવાણા તથા એક અજાણ્યા શખ્સે બુલેટ ઉપર કાર ચડાવી દઇ હત્યાનો પ્રયાસ કર્યો હતો.

પુર્વ સરપંચ આંબાભાઇને ઇજા થઇ હતી અને બાદમાં ચારેય શખ્સોએ નીચે ઉતરી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતા. ઇજાગ્રસ્ત આંબાભાઇએ પોલીસ ફરીયાદમાં જણાવ્યા મુજબ પોતે જયારે  જયારે સરપંચ હતા ત્યારે અમરેલીના સીમાડે ખરાબામાં આરોપી રમેશ મકવાણાને  મકાન બનાવવાની ના પાડતા તેનો ખાર રાખી હત્યાનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે પડધરી પોલીસે ઉકત ચારેય શખ્સો સામે હત્યાના પ્રયાસ સહીતની કલમો તળે ગુન્હો દાખલ કર્યો છે. વધુ તપાસ પીએસઆઇ જે.વી.વાઢીયા ચલાવી રહયા છે.

(3:39 pm IST)