સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 14th May 2019

આરોગ્ય માટે સરકારી સહાયની લાલચ આપી ગોકળભાઇ વાવડીયાની જમીન ચના કોળીએ લખાવી લઇ બીજાને વેચી નાંખી!

છેતરપીંડી કરનાર ચુનારાવાડના ચના કોળી અને જમીન ખરીદનાર મુંજકાના હરેશ છૈયા સામે જામગઢના ખેડૂત ગોકળભાઇ વાવડીયાની પોલીસ કમિશ્નરને રજૂઆત

રાજકોટ તા. ૧૪ : આરોગ્ય માટે સરકારી સહાયની લાલચ આપી જામગઢના વૃધ્ધની જમીન રાજકોટના કોળી શખ્સે લખાવી બીજાને વેંચી નાખી વૃધ્ધ સાથે છેતરપીંડી કરતા પોલીસ કમિશ્નરને લેખીત ફરીયાદ થઇ છે.

જામગઢમાં રહેતા ગોકળભાઇ દેવશીભાઇ વાવડીયા (ઉ.વ.૬૨)એ પોલીસ કમિશ્નરને કરેલી લેખીત ફરીયાદમાં ચુનારાવાડના ચના ગગજીભાઇ કોળી અને મુંજકાના હરેશ ભાનુભાઇ છૈયાના નામ આપ્યા છે. ગોકળભાઇએ અરજીમાં જણાવ્યું છે કે, પોતે ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને પોતાને લખતા-વાંચતા આવડતુ નથી. ોતાને રાજકોટ તાલુકાના મોજેગામ જામગઢમાં વડીલો પાર્જીત ખેતીની જમીન ધરાવે છે અને પોતાને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્ર જામગઢમાં ખેતરે રહે છે. પાંચ વર્ષ પહેલા પત્નીનું અવસાન થયા બાદ પોતે વિધુર જીવન જીવે છે. એક વર્ષ પહેલા પોતાની તબીયત ખરાબ હોઇ જેથી પોતે કુવાડવા પાસે દવાખાને દવા લેવા આવ્યા હતા. ત્યારે પોતાના જ ગામનો ભાણેજ ચના ગગજીભાઇ કોળી (રહે. ચુનારાવાડ, રાજકોટ) મળેલ હતો અને તેણે ખબર-અંતર પૂછતા પોતે તેની બીમારીની વાત કરતા ચના કોળીએ કહેલ કે, 'તમે રાજકોટ મારી સાથે આવો હું તમને કહુ તેમ કરવાથી સરકારી ઓફિસમાં સારવાર માટે સરકાર પૈસા તમારા બેંક ખાતામાં જમા આપશે. તમે તમારા ખેતીના કાગળો અને બેંકની પાસબુક લઇને મારી સાથે આવો બાદ અવાર-નવાર આ ચના કોળીએ મોટી-મોટી વાતો કરીને જુદી-જુદી લાલચ આપીને તેની રિક્ષામાં રાજકોટ લઇ જતા અને મારા ખાતામાં પૈસા આવી જશે તેવું કહી મારી જુદા-જુદા કાગળોમાં સહીઓ કરાવી લીધી હતી અને પોતે તપાસ કરતા પોતાના ખાતામાં રૂ. ૫૦ હજાર જ જમા થયા હોવાનું જાણવા મળ્યું હતું.'

હાલમાં વડાપ્રધાનની નાના ખેડૂતોને સીધી આર્થિક સહાયની મેળવવાની કિશાન સહાય યોજના સંદર્ભે કાર્યવાહી કરવા તલાટી મંત્રી પાસે જતા તલાટી મંત્રીએ કહેલ કે, 'તમારા નામે આવેલ ગામ જામગઢની રેવન્યુ સર્વે નં. ૧૪ પૈકી ૧ની જૂની શરતવાળી જમીન હવે બીજાના નામે થઇ ગયેલ છે તેમ જણાવતા પોતે પોતાના પુત્ર અને જમાઇને વાત કરતા તપાસ કરતા પોતાના જ ગામનો ભાણેજ ચના ગગજી કોળીએ વિશ્વાસઘાત, છેતરપીંડી કરી વડીલો પાર્જીત જમીનની કિંમત પેટે માત્ર રૂ. ૫૦ હજાર બેંકના ખાતામાં જમા કરાવીને બાકીના પૈસા બેંકના ખાતામાં આવશે તેવું જણાવી ગેરલાભ ઉઠાવી તેમના મળતીયાની મદદથી આ હરેશ ભાનુભાઇ છૈયા (રહે. મુંજકા)ના નામે વેચાણ દસ્તાવેજ રાજકોટની સબ રજી. ઓફિસે જઇને કરાવી લીધો છે. બાદ તપાસ કરતા વેચાણ દસ્તાવેજમાં ચાર હેકટર ઉપરની જમીનના રૂ. ૧૩.૫૦ લાખ દર્શાવેલ છે. પોતાને આવી કોઇ રકમ મળી ન હતી.' જો કે આ જમીનની ૫૦ લાખથી વધુ બજાર કિંમત થાય છે. આથી પોતાની આ કિંમત જમીનના છેતરપીંડીથી ચના કોળીએ દસ્તાવેજ બનાવી હરેશ છૈયાને બારોબાર વેંચી નાખી હોવાનું જણાવાયું છે. આ શખ્સો સામે કાર્યવાહી કરવા ગોકળભાઇ વાવડીયાએ પોલીસ કમિશ્નરને લેખીત ફરીયાદ કરી છે.

(1:16 pm IST)