સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 14th May 2019

મોરબીમાં અગાઉ પ્રદુષણ ફેલાવી ચૂકેલા સિરામિક ઉદ્યોગને આકરો દંડ ફટકારવા હિલચાલ

દૈનિક ૫૦૦૦ના હિસાબે વાર્ષિક ૧૮ લાખથી વધુનો દંડ કરવા રીપોર્ટમાં દરખાસ્ત

મોરબી તા. ૧૪ : મોરબી સિરામિક એકમોમાં વપરાતા કોલગેસીફાયર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જોકે એનજીટીના પ્રતિબંધ પૂર્વે કોલગેસ વાપરનાર સિરામિક એકમોએ પાણી, હવા અને જમીનનું પ્રદુષણ ફેલાવ્યું હોય જે અંગે સર્વે કરીને રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં પ્રદુષણ ફેલાવી ચુકેલા એકમોને વાર્ષિક ૧૮ લાખથી વધુનો દંડ ફટકારવા માટે દરખાસ્ત કરાઈ છે.

મોરબીથી વાંકાનેર સુધી ફેલાયેલા સિરામિક ઉદ્યોગમાં અગાઉ ૫૫૦ થી વધુ એકમો કોલગેસ આધારિત હતા અને કોલગેસમાંથી નીકળતા ટાર વેસ્ટ અને ઝેરી પાણી સહિતનો વેસ્ટ ગમે ત્યાં ફેંકી દેવામાં આવતો હોય જેને પગલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તાજેતરમાં કોલગેસ પ્રતિબંધ લગાવી દેવાયો છે. જોકે કોલગેસ પ્રતિબંધ પૂર્વે મોરબીના વિવિધ વિસ્તારોમાં અસહ્ય પ્રદુષણ ફેલાયું હોય જેના સર્વે માટે હાઈકોર્ટના નિવૃત જજ બી સી પટેલની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરીને મોરબીના બેલા રોડ, લખધીરપુર રોડ, જાંબુડિયા ઙ્ગગામ, રફાળેશ્વર તળાવ, માટેલ રોડ, પાનેલી રોડ સહિતના સિરામિક ઝોન વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો હતો.

જેમાં પાણી, હવા અને જમીનનું પ્રદુષણ ઉડીને આંખે વળગ્યું હતું એટલું જ નહિ પરંતુ પીવાનું પાણી દુષિત થઇ ચુકયું હોય જેથી કમિટીના મેમ્બરો પણ ચોકી ઉઠ્યા હતા. મોરબીમાં ૯૦૦ થી વધુ સિરામિક ફેકટરી પૈકીના ૫૬૮ યુનિટમાં અગાઉ કોલગેસ વપરાતો હતો તેના કેમિકલયુકત દુષિત પાણી, ટાર વેસ્ટ ફેંકવામાં આવતા હતા. આટલું ઓછુ હોય તેમ ટાઈલ્સનો ભંગાર અને અન્ય ભંગાર પણ ગમે ત્યાં ફેકેલો જોવા મળ્યો હતો જેને પગલે કમિટીએ આ મામલે ધગધગતો રીપોર્ટ સુપરત કર્યો છે. જેમાં અગાઉ બેફામ પ્રદુષણ ફેલાવી ચુકેલા કોલગેસ વપરાશ કરનારાઓ સામે લાલ આંખ કરીને પ્રતિદિનના ૫૦૦૦ રૃા.ના હિસાબે વાર્ષિક ૧૮.૨૫ લાખનો દંડ ફટકારવાની દરખાસ્ત કરવામાં આવી છે. રીપોર્ટ એનજીટી ટીમને સોપી દેવામાં આવ્યો છે. હવે એનજીટી ટીમ દરખાસ્તને માન્ય રાખે છે કે નહિ તે જોવું રહ્યું અને જો દરખાસ્ત માન્ય રાખવામાં આવશે તો કોલગેસ વાપરનાર ૫૦૦ થી વધુ એકમોને લાખો રૂ દંડ ચૂકવવો પડશે તે નક્કી છે.

(11:47 am IST)