શાપરમાં જુના મનદુઃખને લીધે બિહારના ભરતભાઇને મુકેશે છરીના ઘા ઝીંકયા
ફાકી ખાવાના બહાને બહાર બોલાવી હુમલોઃ ગંભીર ઇજા થતાં રાજકોટ સારવાર માટે ખસેડાયાઃ હુમલો કરનાર શખ્સ મુળ અમદાવાદનો વતની
રાજકોટ તા. ૧૪: શાપરના શાંતિધામ પાછળ રબ્બરના કારખાનામાં કામ કરતાં અને ત્યાં જ નજીકમાં રહેતાં મુળ બિહારના ભરતભાઇ હનુમાનભાઇ પટેલ (કુરમી) (ઉ.૪૫)ને સાંજે પોણા ચારેક વાગ્યે તેની સાથે જ કામ કરતાં મુકેશ નામના મુળ અમદાવાદના શખ્સે કારખાના નજીક બોલાવી છરીથી હુમલો કરી ગળા અને કાન પાસે ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
ભરતભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના છે. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તે મુળ બિહારના છે અને વર્ષોથી શાપર રહે છે. ગઇકાલે સાંજે ઘરે હતાં ત્યારે સાથે જ કામ કરતો મુકેશ નામનો શખ્સ ફાકી ખવડાવવાના બહાને બહાર લઇ ગયો હતો અને બાદમાં છરીથી તૂટી પડ્યો હતો. ગળા-કાન પાસે ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં ફરિયાદ નોંધવા તજવીજ થઇ હતી. અગાઉ છોકરાઓની તકરારમાં ભરતભાઇ અને મુકેશ વચ્ચે બોલાચાલી થઇ હોઇ તેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યાનું ભરતભાઇના સગાએ જણાવ્યું હતું.