સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 14th May 2018

ધારાસભ્યે કરેલ સોંગદનામા મુજબ કમીટી દ્વારા થઇ રહેલ કામ

આખા ગુજરાતમાં એક માત્ર વસોયા પોતાનો પગાર લોકહિતમાં વાપરે છે ત્યારે તેમને ઉતારી પાડવાનું ષડયંત્ર

ઉપલેટા, તા. ૧૨ :. ગત ધોરાજી-ઉપલેટા વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની સાથે જ કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ વસોયાએ એક સોગંદનામુ કરેલ કે જો પોતે ચૂંટાઈ આવશે તો પોતાનો પગાર મત વિસ્તારના ગરીબ દર્દીઓ માટે વાપરશે.

આ જાહેરાતના ભાગરૂપે ધોરાજી, ઉપલેટા, ભાયાવદરના પ્રતિષ્ઠીત અને સામાજીક આગેવાનોની એક કમીટી બનાવીને પોતાના પગારમાંથી જરૂરીયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાના પ્રયત્નો કર્યા છે ત્યારે કેટલાક વિઘ્નસંતોષીઓએ લલીત વસોયા તેમના સોગંદનામા મુજબ કાર્યવાહી ન કરી મતદારોનો વિશ્વાસઘાત કર્યાના નિવેદનો કરીને તેમને બદનામ કરવાના પ્રયત્નો કરેલ છે.

આ અંગે ઉપલેટા ભાયાવદરમાં બનાવેલી કમીટીના સભ્યો ઉપલેટા તાલુકા પંચાયતના લાખાભાઈ ડાંગર, જુનેદભાઈ નાથાણી, ભરતભાઈ રાણપરીયા, કૃષ્ણકાંત ચોટાઈએ એક નિવેદન દ્વારા જણાવેલ છે કે આખા ગુજરાતમાંથી એક માત્ર ધારાસભ્ય લલીત વસોયાએ પોતાનો પગાર સામાજીક પ્રવૃતિમાં વાપરવા નિર્ણય કરીને સમાજને અને ધારાસભ્યોને એક નવો રાહ ચિંધ્યો છે ત્યારે આવા નિવેદનો કરી એક સારી કામગીરી કરતી વ્યકિતને ઉતારી પાડવાના જે પ્રયત્નો કરવામાં આવે છે, તે વખોડવા લાયક છે. ધારાસભ્ય તરીકે લલીત વસોયાના બે પગાર કમીટીમાં જમા થયેલ છે. તેમાથી દર્દીઓને દવા અને ડાયાલીસીસ માટેના રૂપિયા ચુકવવામાં પણ આવેલ છે ત્યારે આવા લેભાગુઓને ઓળખી લેવા કમીટીના મેમ્બરોએ અનુરોધ કરેલ હતો.(૨-૧)

(12:20 pm IST)