સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th April 2021

જેતપુરમાં પોલીસના ત્રાસથી આત્મહત્યા કરનાર યુવાનના પરિવારજનોની માંગણી ન સ્વીકારાતા મૃતદેહ ૩૬ કલાકથી હોસ્પીટલમાં રાખી મુકાયો

ફોરેન્સીક પી.એમ.ની અરજી કરવા છતા પોલીસે કાર્યવાહી ન કરી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧૪ :. શહેરના નવાગઢ નાગબાઈ ધાર વિસ્તારમાં રહી મજુરી કામ કરતા મેરામણભાઈ બચુભાઈ બાટવીયાએ ૧૨ તારીખે સાંજે વાડીમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરેલ. જે અંગે પરિવારજનોએ આક્ષેપ કર્યો કે પોલીસના ત્રાસથી તેમણે આત્મહત્યા કરી છે. જેથી તેનુ ફોરેન્સીક પી.એમ. કરાવો અને ન્યાયીક તપાસ કરો. જ્યાં સુધી કાર્યવાહી નહી કરાય ત્યાં સુધી મૃતદેહ સંભાળશે નહિ.

તાલુકાના પાંચપીપળા ગામે ઝૂપડામાં રહેતા ભાવેશ ઉર્ફે મુનો કેશુભાઈ મોરબીયા તે રાત્રીના કોઈ અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધેલ તેનુ સારવાર દરમ્યાન મોત નિપજેલ જેમાં પોલીસે પુછપરછ માટે શહેરના નવાગઢ નાગબાઈ ધાર વિસ્તારમાં રહેતા તેના સાવકા બાપ મેરામણભાઈ, તેના પત્નિ અને મેરામણને તપાસ માટે બોલાવેલ બાદ મેરામણભાઈએ આત્મહત્યા કરી લીધેલ. જેથી તેના પત્નિ સવિતાબેને આક્ષેપ કરેલ કે શહેર-તાલુકા પોલીસે મારા પતિ અને પુત્રને હત્યાનો ગુન્હો કબુલવા ઢોર માર મારેલ જે માર સહન ન કરી શકતા મારા પતિએ મને કહેલ કે મારે આત્મહત્યા કરી લેવી છે તેથી પોલીસના ત્રાસથી તેણે આત્મહત્યા કરી હોય છતા પોલીસ અમારી વાત સાંભળતી નથી. ફોરેન્સીક પી.એમ.ની માંગણી કરેલ હોવા છતા ધરારીથી પીએમ કરી નાખ્યુ તેથી જ્યાં સુધી અમારી માંગણી નહી સંતોષાય ત્યાં સુધી મૃતદેહને નહી સ્વીકારાય. હાલ ૩૬ કલાક થવા છતા પણ મૃતદેહ ન સ્વીકારવા પરિવારજનો મક્કમ છે.

એ.એસ.પી. સાગર બાગમારે પરિવારજનોને કહેલ કે તેમો અરજી આપો પોલીસ કાર્યવાહી કરશે જેથી શહેર પોલીસમાં અરજી કરેલ છે.

(12:43 pm IST)