સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th April 2021

મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટીંગ લેબ શરૂ

શરૂઆતના તબક્કે દરરોજ ૮૦ જેટલા ટેસ્ટ કરાશે : હાલ ૪૦ જેટલા ઓકિસજન બેડ શરૂ : લેબ માટે જરૂરી સ્ટાફ ફાળવાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૪ : મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની ભયાનક પરિસ્થિતિ વચ્ચે આજથી કોરોના ટેંસ્ટિંગ લેબોરેટરી શરૂ કરવામાં આવી છે. શરૂઆતના તબક્કે દરરોજ ૮૦ જેટલા લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે.તેમજ હાલમાં સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને આ સુવિધાનો લાભ આપવામાં આવશે. હાલ ૪૦ જેટલા ઓકિસજન બેડ શરૂ કરવામાં આવ્યા છે તેમજ લેબ માટે જરૂરી સ્ટાફ ફળવાયો છે.

મોરબીની સિવિલ હોસ્પિટલમાં આર.ટી.પી.સી.આર. કોવિડ ટેંસ્ટિંગ માટેની લેબોરેટરી શરૂ કરવામાં આવી છે.આ લેબોરેટરીમાં શરૂઆતમાં દરરોજ ૮૦ જેટલા લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે અને આ લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ માટે પ્રથમ સીવીલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને પ્રાયોરિટી આપવામાં આવશે. ત્યારબાદ ધીમેધીમે ટેંસ્ટિંગની પ્રક્રિયા વધારવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દર્દીઓની સ્થિતિ વકર્યા બાદ કોરોના ટેંસ્ટિંગને પહોંચી વળવા માટે ઉઠેલી માંગને પગલે આજથી કોરોના ટેંસ્ટિંગ લેબ સાકાર થઈ છે.

આજરોજ મોરબી કલેકટરના હસ્તે આ લેબનો પ્રારંભ કરાયો હતો અને સિવિલમાં વધુ ૮૫ બેડ વધારવામાં આવશે. હાલ ૪૦ જેટલા ઓકિસજન બેડ શરૂ કરવામાં આવ્યા છે. બાકીના ૪૦ થી ૪૫ બેડ ટૂંક સમયમાં શરૂ થશે તેવું કલેકટરે જણાવ્યું હતું.આ ઉપરાંત કોરોના ટેંસ્ટિંગ લેબમાં બે રેસિડેન્ટ ડોકટર, બે માઈક્રો બાયોલોજીસ્ટ, પાંચ લેબ ટેકિનશિયનની ભરતી કરવામાં આવી છે. મોરબી જિલ્લાના ટેંસ્ટિંગ અહીંથી ધીમેધીમે શરૂ કરવામાં આવશે.આ ટેંસ્ટિંગમાં લોકોનો સમય બચશે અને ઝડપથી રિઝલ્ટ આવશે.

હાલ પ્રતિદિન ૭૦ થી ૮૦ ટેસ્ટ કરી શકાશે

મોરબીમાં કોરોના હાહાકારને પગલે રાજયના મુખ્યમંત્રી સહિતના રાજયના ઉચ્ચ હોદેદારો અને અધિકારીઓ દોડી આવ્યા હતા અને મોરબીમાં લેબ કાર્યરત કરવાની ખાતરી આપી હતી અને આજે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આરટીપીસીઆર ટેસ્ટીંગ લેબ કાર્યરત કરવામાં આવી હતી.

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આજે કોરોના દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ માટેની લેબ શરૂ કરવામાં આવી હતી જે પ્રસંગે મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલે જણાવ્યું હતું કે ટેસ્ટીંગ લેબનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે અને હાલ મોરબી સિવિલમાં દાખલ દર્દીને પ્રાયોરીટી આપવામાં આવશે પ્રતિદિન ૭૦ થી ૮૦ કેટલા ટેસ્ટ કરવામાં આવશે તો સપ્તાહમાં વ્યાપ વધારવામાં આવશે અને અન્ય વિસ્તારને પણ આવરી લેવાશે તો આ તકે નાગરિકો માસ્ક પહેરે તેમજ સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરે અને વારંવાર સાબુથી કે સેનેટાઈઝરથી હાથ ધોવે તેવી અપીલ કરી હતી તો સિવિલ હોસ્પિટલમાં બેડ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સિવિલના ૧૦૦ ઓકસીજન બેડ હાલ ફૂલ છે તેમજ ૮૦ બેડ વધારવામાં આવ્યા છે જેમાં ૪૦ બેડ કાર્યરત કર્યા છે જયારે બાકીના ૪૦ બેડ બે દિવસમાં કાર્યરત થઇ જશે તો રેમડીસીવર ઇન્જેકશનની અછત સર્વત્ર છે છતાં મોરબીના દર્દીઓની જરૂરિયાત પૂરતા મળી રહે તેવી વ્યવસ્થા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

(12:41 pm IST)