સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th April 2021

કચ્છ કોરોનાના પંજામાં : વધુ ૩ મોત, નવા ૫૮ કેસ : ટેસ્ટીંગ કીટ ખૂટી

રાજ્ય અને જિલ્લાના મોતના સરકારી આંકડામાં પણ ગોલમાલ ? ડેશ બોર્ડમાં ૩૩ મોત જ્યારે જિલ્લાના રેકર્ડ પર ૯૨ : મુન્દ્રા કસ્ટમ હાઉસના ૧૦ અધિકારીઓ અને કેરા ગામમાં ૬૦ જેટલા દર્દીઓ કોરોનાની ઝપેટમાં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૪ : કચ્છ કોરોનાના પંજામાં સપડાયું છે. સબ સલામતના સરકારના દાવાઓ માત્ર સત્તાવાર આંકડાઓ પૂરતા જ દેખાય છે. વાસ્તવિક ચિત્ર ઉલટું છે. વધુ ૩ મોત , ૫૮ નવા દર્દીઓ અને ૪૪૮ એકિટવ કેસ સાથે કોરોના કાળમાં કચ્છમાં અત્યાર સુધીના આ સૌથી વધુ આંકડાઓ સૂચવે છે કે પરિસ્થિતિ ગંભીર છે.

જોકે, સરકારી ચોપડે આંકડાકીય રમત ચાલે છે, એ કડવું સત્ય છેક રાજય સ્તરે દેખાઈ રહ્યું છે. રાજય સરકારના ડેશ બોર્ડ ઉપર કચ્છમાં ૩૩ મૃત્યુ દર્શાવાયા છે.

જયારે ખુદ કચ્છનું આરોગ્ય તંત્ર ૯૨ મોત દર્શાવે છે. જોકે, વાસ્તવિક આંકડો એથી પણ વધુ હોય તેવી ચર્ચા છે. ભુજ શહેર અને તાલુકામાં ૧૭ કેસ દર્શાવાયા છે. જયારે કન્ટેનમેન્ટ ઝોન ૬૭ છે. જોકે, તે વચ્ચે ભુજના કેરા ગામમાં જ ૬૦ જેટલા દર્દીઓ હોવાની ચર્ચા છે.

મુન્દ્રા પોર્ટ કસ્ટમ હાઉસમાં ૧૦ જેટલા કસ્ટમ અધિકારીઓ કોરોનાની ઝપેટમાં હોવાની ચર્ચા છે. તો, મુન્દ્રા પોર્ટ ઉપર પણ સંક્રમણ વધતું અટકાવવા પોર્ટ યુઝર્સ બિલ્ડિંગમાં પ્રવેશબંધી સાથે સાવચેતી દર્શાવાઈ રહી છે. સોશ્યલ મીડિયા ઉપર ફેલાતા સમાચારોને કે અફવાઓ ઉપર ધ્યાન ન આપવાનું તંત્ર વારંવાર કહે છે.

એ વાત અનુસરવા જેવી છે. પણ, તેની સાથોસાથ કોરોના સબંધી સાચી જાણકારી સત્તાવાર રીતે તંત્ર દ્વારા મીડિયાને અને લોકોને મળી રહે તેવી વ્યવસ્થા પણ જરૂરી છે.

(11:06 am IST)