સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th April 2021

જુનાગઢના મુખ્ય અનાજ-કઠોળ માર્કેટીંગ યાર્ડમાં રવિવાર સુધી લોકડાઉન જાહેર કરતાં ચેરમેન કિરીટભાઇ પટેલ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૪ :.. કોરોના ના દિન-પ્રતિદિન વધતાં રહેલાં સંક્રમણ સામે આગમચેતીના ભાગરૂપે ખેડૂતો, વેપારીઓ અને કામદાર મિત્રોની રજૂઆતને ધ્યાનમાં લઇ તા. ૧૬ થી તા. ૧૮ સુધી લોકોના હિતાર્થે માર્કેટીંગ યાર્ડમાં વેપારી કામકાજ બંધ રાખવા યાર્ડના ચેરમેનશ્રી કિરીટભાઇ પટેલે જાહેરાત કરી છે.

તેઓએ જણાવેલ કે તા. ૧૩ ના બપોરના ર વાગ્યા બાદ તમામ જણસીની આવક બંધ રહેશે. ખેડૂતો અને વેપારીઓને આર્થીક સંકટ ભોગવવું ન પડે એટલા માટે જે જણસી પડતર છે તેમની હરરાજી બુધવાર અને ગુરૂવાર એમ બે દિવસ લઇ લેવામાં આવશે. શુક્રવારથી રવિવાર સુધી વેપારી કામકાજ સંપૂર્ણ બંધ રહેશે.

કોરોનાની વધતી રહેલી મહામારી વચ્ચે પણ લોકસમુદાયની ખડેપગે સેવા કરી રહ્યા છે યાર્ડના ચેરમેન કિરીટભાઇ પટેલ, સીવીલ હોસ્પીટલમાં પણ તાત્કાલીક કોરોનાગ્રસ્ત દર્દીઓની રૂબરૂ મુલાકાત લઇ દર્દીઓને અપાતા ભોજન, દવા અને અન્ય વ્યવસ્થા અંગે જે તે વિભાગીય અધિકારીઓને રૂબરૂ સુચન કરેલ છે.  વધુ માહિતી માટે માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી પી. એસ. ગજેરાનો સંપર્ક કરવા જણાવેલ છે.

(10:09 am IST)