પોરબંદર નજીક ભારતીય નેવીનું ડ્રોન યુએવી વિમાન બરડા ડુંગર વિસ્તારમાં તૂટી પડયું
પોરબંદર, તા. ૧૪ : પોરબંદર નજીકના બરડા ડુંગર વિસ્તારમાં ભારતીય નેવીનું ડ્રોન વિમાન યુએવી તૂટી પડતા દોડધામ મચી ગઈ હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ આજુબાજુના વિસ્તારમાં નુકશાન થયાનું જાણવા મળ્યુ છે.
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ખાખરાવાળા નેસ વિસ્તારમાં બરડા ડુંગરમાં ભારતીય નેવીનું માનવરહિત ડ્રોન વિમાનમાં ટેકનીકલ ખામી સર્જાતા તૂટી પડયુ હતું. આ બનાવની જાણ થતા નેવી અને વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
ડુંગરાળ વિસ્તાર ઉપર ડ્રોન વિમાન તૂટી પડતા બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.
એક મહિના દરમિયાન બીજી વખત પોરબંદર પંથકમાં યુએવી વિમાન ક્રેશ થવાની ઘટના સર્જાતા દોડધામ મચી ગઈ હતી. પોલીસ અને ભારતીય નેવીની ટીમે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.