સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th March 2018

અમરેલીના તોરી ગામના મહિલા સરપંચને ત્રીજુ સંતાન નથી તે સાબિત કરાવવા DNA ટેસ્ટ કરાવવો પડશે

અમરેલીઃ અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના તોરી ગામના મહિલા સરપંચને ત્રીજુ સંતાન નથી તે સાબિત કરવા માટે DNA ટેસ્ટ કરાવો પડશે.

તોરી ગામના ચૂંટાયેલ મહિલા સરપંચ જ્યોતિ રાઠવા દ્વારા પોતાને સરપંચ પદ પરથી સસ્પેન્ડ કરવાના તાલુકા વિકાસાધિકારી (તાલુકા ડેવલોપમેન્ટ ઓફિસર) એન.પી. માલવિયાના ઓર્ડરને ચેલેન્જ કરવામાં આવ્યો હતો. જે બાદ જીલ્લા વિકાસાધિકારી(ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ ઓફિસર)એ સરપંચ જ્યોતિ રાઠવાને DNA ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.

તાલુકા વિકાસાધિકારી માલવિયાએ સરપંચ જ્યોતિ રાઠવાને સસ્પેન્ડ કરવાનો આર્ડર બાલા રાઠોડ નામના વ્યક્તિની ફરિયાદના આધારે કર્યો હતો. જેમાં બાલા રાઠોડે આરોપ લગાવ્યો હતો કે સરપંચ જ્યોતિ રાઠોડને ત્રીજા સંતાન તરીકે 6 વર્ષની દીકરી છે. પરંતુ સરપંચની ચૂંટણી લડવા માટે તેમણે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી આ છોકરીના માતા તરીકે નીતા અને પિતા તરીકે ભરત નામ દેખાડ્યું છે. જ્યારે નીતા જ્યોતિનું જ બીજુ નામ છે. તો પિતાના નામ તરીકે દેખાડવામાં આવેલ ભરત પણ ખોટું નામ છે.

દેશના પંચાયતિ રાજ એક્ટ અનુસાર સરપંચની ચૂંટણી લડવા માટે વ્યક્તિ 2થી વધારે બાળકોના માતા-પિતા ન હોવા જોઈએ. તેમજ સરપંચ બન્યા બાદ પણ જો ત્રીજુ બાળક થાય છે તો તેમણે સરપંચ તરીકે રાજીનામુ આપવું પડે છે. ત્યારે જો જ્યોતિ તેના આ કથિત ત્રીજા સંતાનની માતા સાબિત થશે તો તેણે કાયદાની રુએ સરપંચનું પદ તો છોડવું જ પડશે સાથે સાથે તેની વિરુદ્ધ ખોટી માહિતી આપવાનો અને છેતરપિંડીનો ખટલો પણ ચાલી શકે છે.

ફરિયાદી બાલાભાઈ રાઠોડે કહ્યું કે, ‘નીતા એ જ્યોતિનું જ બીજુ નામ છે. જ્યારે બાળકીના પિતા તરીકે ભરત નામ લખાવાયું છે જે પણ ખોટું છે. ત્રીજા બાળકની ઓળખ છુપાવવા માટે જ આ ડોક્યુમેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. મને વિશ્વાસ છે કે જો DNA ટેસ્ટ પૂર્ણ પ્રામાણિક્તા પૂર્વક કરવામાં આવશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવી જશે.

તાલુકા વિકાસાધિકારી માલવિયાએ કહ્યું કે, ‘અમારી સમક્ષ આપવામાં આવેલ ડોક્યુમેન્ટ જોતા મને જાણવા મળ્યું હકે જ્યોતિબેન ત્રણ બાળકોની માતા છે. જેને લઈને સપ્ટેમ્બર 2017માં તેમને ડિસક્વોલિફાય જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ તેમણે આ નિર્ણયને DDO સમક્ષ ચેલેન્જ કર્યો છે.

DDO ઓફિસના ઉચ્ચાધિકારીએ કહ્યું કે, ‘સમગ્ર હકિકત જાણ્યા બાદ જિલ્લા વિકાસાધિકારીનું માનવું છે કે ચૂંટાયેલ વ્યક્તિને પૂરતા ડોક્યુમેન્ટ વગર ફક્ત શંકાના આધારે પદ પરથી દૂર કરી શકાય નહીં. જેથી કરીને તેમણે જ્યોતિબેનને DNA ટેસ્ટ કરવાનું જણાવ્યું છે.સામાન્ય રીતે મોટા ભાગના કેસમાં પિતા નક્કી કરવા માટે DNA ટેસ્ટ કરવામાં આવે છે જ્યારે અહીં પહેલીવાર માતા નક્કી કરવા માટે DNA ટેસ્ટ કરવામાં આવશે.

જ્યોતિ રાઠોડના પતિ ભાલા રાઠોડે કહ્યું કે, ‘બાલાભાઈ દ્વારા લગાવવામાં આવેલ તમામ આરોપો પાયાવિહોણા અને રાજકીય કાવાદાવા યુક્ત છે. જો એવું જ હતું તો જ્યારે મારી પત્નીએ ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે કેમ કોઈએ વિરોધ ન કર્યો?’ મારી પત્ની ગામના ભલા માટે કામ કરી રહી હોવાથી તેના વિરોધીઓ અમને પરેશાન કરવા માટે આ પ્રકારના ખોટા દાવાઓ કરી રહ્યા છે. જે બાળકી અમારી હોવાનો દાવો કરવામાં આવે છે તે મારા સગા ભાઈની દીકરી છે અને તે અમે સાબિત કરી શકીએ છીએ. હકીકતમાં તો એક દલિત મહિલા ગામની સરપંચ હોય તેવું કેટલાક લોકોને મંજૂર ન હોવાથી આ પ્રકારે ષડયંત્ર રચવામાં આવ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે અભણ છીએ અને DNA ટેસ્ટ અંગે કંઈ જ જાણતા નથી. પરંતુ જ્યારે જિલ્લા વિકાસાધિકારીએ આ અંગે મારી પત્નીને પૂછ્યું ત્યારે અમે પૂર્ણ શ્રદ્ધાથી દરેક પ્રકારની તપાસમાં સહાકાર આપવાની તૈયારી દર્શાવી છે. પરંતુ અમારા વકીલ અને ડૉક્ટર સાથે વિચારણા કર્યા બાદ અમે આગળ વધીશું.

(6:51 pm IST)